Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતીય ઉદ્યોગો પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે વિદેશી ઉત્પાદનોને ભારતીય બજારમાં સીમિત કોટા આપવાના વિરોધ કરવાના ઉદ્યોગ જગતના વલણને ‘નિરાશાજનક’ ગણાવ્યું.
ગોયલે કહ્યું, ‘જ્યારે પણ અમે કોઈ વિદેશી ઉત્પાદનને થોડોક કોટા આપીએ છીએ, તમે બધા હોબાળો મચાવો છો. મને ખૂબ નિરાશા થાય છે. તમે વિદેશી બજાર ખોલવા માંગો છો, પણ ભારતીય બજાર ખોલવા માંગતા નથી. આ કામ નહીં કરે.’ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘આ વલણથી ઉદ્યોગોની નબળી છબી ઊભી થાય છે.’
વૈશ્વિક વેપારની અનિવાર્યતા અને સ્થાનિક ઉદ્યોગોનો ડર
મુક્ત વેપાર કરારો (FTA) પર ભારત અનેક દેશો સાથે વાતચીત કરી રહ્યું છે ત્યારે ગોયલે આ નિવેદન આપ્યું છે. સરકારના મતે, વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ખુલ્લા બજારની નીતિ આવશ્યક છે. જોકે, ભારતીય ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), વિદેશી ઉત્પાદનોની આયાત પર છૂટ આપવાનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થવાનો ડર છે.
વાણિજ્ય મંત્રીએ ફરિયાદ કરતા જણાવ્યું કે, ‘જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે FTA હોવા છતાં, ત્યાંની કંપનીઓ રાષ્ટ્રવાદી ભાવનાને કારણે ફક્ત ઘરેલુ સપ્લાયરો પાસેથી જ ખરીદી કરે છે.’ તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ ભારતમાં પણ આ જ માંગ કરે છે, પરંતુ કોઈ સાંભળતું જ નથી.
FTA પ્રગતિ: ભારત વૈશ્વિક વેપારમાં મજબૂત સ્થિતિ તરફ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે પત્રકારોને માહિતી આપી કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) અને બ્રિટન સહિત અનેક વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) લાગુ કર્યા છે.
તેમણે કહ્યું કે, ‘ભારત હાલમાં અમેરિકા, ઓમાન, યુરોપિયન યુનિયન (EU), ચિલી, પેરુ અને ન્યુઝીલેન્ડ સાથે FTA માટે સક્રિય વાટાઘાટો કરી રહ્યું છે.’ ગોયલના મતે, આ પ્રગતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત રોકાણ અને દ્વિપક્ષીય વેપાર માટે પસંદગીનું ગંતવ્ય બની ગયું છે. વધુમાં, દક્ષિણ અમેરિકન બજારમાં ભારતની ભાગીદારી વધારવા માટે બ્રાઝિલ સાથે પણ પ્રાથમિકતાવાળા વેપાર કરારને આગળ વધારવા પર વાતચીત થઈ છે.
આ પણ વાંચો: અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું
ભારત-અમેરિકા BTA: પાંચ રાઉન્ડ પૂર્ણ, લક્ષ્ય નવેમ્બર 2025
ભારતીય અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં 17 ઓક્ટોબર સુધી અમેરિકન સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરી રહ્યું છે. દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાતચીત ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી, જેનો પ્રથમ તબક્કો ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.
જોકે, બંને દેશોના સંબંધોમાં તાણ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 50% અને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25%ની વધારાની ડ્યુટી લગાવી છે, જેને ભારતે ‘અયોગ્ય’ ગણાવી છે. ભારતીય ઉદ્યોગે ટ્રમ્પ વહીવટીતંત્રની H-1B વિઝા નીતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની ટેલિફોન વાતચીત બાદ આ કરાર પર સકારાત્મક પરિણામની આશાઓ વધી છે.











