– અંગ્રેજોએ ખ્રિસ્તીઓને આપેલી જમીન તરફ સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરે કેન્દ્રનું ધ્યાન દોર્યું
– અંગ્રેજો સમયની લીઝને 1965માં સરકારે રદ કરી હોવા છતાં આગળ કોઇ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો દાવો
– વિવાદો વચ્ચે ઓર્ગેનાઇઝરે વેબસાઇટ પરથી આર્ટિકલ હટાવી લીધો
Waqf and Catholic church Land News : સંસદમાં વકફ કાયદામાં સુધારા કરતા બિલને સફળતાપૂર્વક સંસદમાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. એવામાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ સાથે સંકળાયેલા મેગેઝિને કેન્દ્ર સરકારનું ધ્યાન ખ્રિસ્તી ધાર્મિક સ્થળોની જમીન તરફ દોર્યું છે. ઓર્ગેનાઇઝર વેબપોર્ટલમાં વકફ અને કેથોલિક ચર્ચ બન્નેમાંથી કોની પાસે વધુ જમીન છે તેના પર ચર્ચા કરતો એક આર્ટિકલ પ્રકાશિત કર્યો છે.
સંઘ સાથે જોડાયેલા ઓર્ગેનાઇઝરના આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક (ખ્રિસ્તી) સંસ્થાઓ પાસે ભારતમાં 7 કરોડ હેક્ટર જમીન છે જે બિનસરકારી સંસ્થા તરીકે સૌથી વધુ જમીન પર માલિકી ધરાવે છે. જ્યારે વકફ બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કેરળના કેરલા કેથોલિક બિશોપ્સ કાઉન્સિલે બિલનો વિરોધ કરનારાઓની ટિકા કરી હતી અને વકફ બિલનું સમર્થન કર્યું હતું, જેનો બાદમાં ભાજપના નેતાઓએ સ્વબચાવમાં ઉપયોગ કર્યો હતો. હવે ખ્રિસ્તીઓની જમીન પર સંઘના મેગેઝિન દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
સંઘના મેગેઝિનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની જમીન માહિતી વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2021ના આંકડા મુજબ ભારત સરકાર પાસે આશરે 15531 સ્ક્વેર કિમી જમીન છે, જ્યારે વકફ બોર્ડ પાસે પણ મોટા પ્રમાણમાં જમીન છે. જોકે તેમ છતા આ જમીન કેથોલિક ચર્ચ પાસે રહેલી જમીન કરતા ઓછી છે. રિપોર્ટ મુજબ ભારતમાં કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે સાત કરોડ હેક્ટર જમીન છે.
આ તમામ સંપત્તિની આશરે વેલ્યૂ 20 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવે છે. જેને પગલે ભારતના રીઅલ એસ્ટેટમાં ચર્ચ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. ચર્ચો પાસે રહેલી મોટાભાગની જમીન બ્રિટિશકાળથી જ છે. અગાઉ 1965માં સરકાર દ્વારા એક સર્ક્યુલર બહાર પડાયો હતો અને ચર્ચોને લીઝ પર અપાયેલી જમીન પાછી લેવાની વાત કરાઇ હતી જોકે તેનો યોગ્ય રીતે અમલ નહોતો થયો. ભારત સરકારના આ સર્ક્યુલરમાં જણાવાયું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા ચર્ચોને અપાયેલી લીઝ હાલ કોઇ મહત્વ નથી ધરાવતી. વકફની જમીન પર કાર્યવાહી વચ્ચે શું હવે સરકાર ખ્રિસ્તીઓની ધાર્મિક સ્થળોની જમીનને લઇને પણ કોઇ પગલા લેશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. હાલ સંઘે આ દિશામાં સરકારનું ધ્યાન દોર્યું છે. જોકે એવા પણ અહેવાલો છે કે સંઘના મુખપત્ર દ્વારા આ આર્ટિકલને બાદમાં પોતાની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો છે.
વકફ બાદ સંઘની નજર હવે ખ્રિસ્તીઓની જમીન પર : રાહુલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસની નજર વકફ બાદ હવે ખ્રિસ્તી સમુદાયની જમીન પર છે, બંધારણીય ઢાલથી જ આ તમામ લોકોની રક્ષા થઇ શકે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં ખ્રિસ્તીઓની ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલી જમીન અને મુસ્લિમોના વકફ પાસે રહેલી જમીન વચ્ચે સરખામણી કરતો એક આર્ટિકલ છપાયો હતો. જેને લઇને રાહુલ ગાંધીએ સંઘ અને કેન્દ્ર સરકાર પર આ સવાલો ઉઠાવ્યા હતા, સાથે જ દાવો કર્યો હતો કે મે કહ્યું હતું કે વકફ બિલ હાલ માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા લવાયું છે પરંતુ ભવિષ્યમાં અન્ય ધર્મના લોકોને પણ નિશાન બનાવવા આ બિલનો ઉદાહરણ તરીકે ઉપયોગ થઇ શકે છે. ખ્રિસ્તીઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં સંઘે થોડુ પણ મોડુ ના કર્યું. બંધારણ જ એકમાત્ર ઢાલ છે કે આપણા લોકોને આ હુમલાથી બચાવી શકે છે.