– પોલીસ દ્વારા દિલ્હી કૂચ અટકાવાતા એક વર્ષથી ખેડૂતો ધરણા પર બેઠા હતા
અમૃતસર : પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભૂ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા, જેમને હવે હટાવવા માટે પંજાબ પોલીસ સક્રિય થઇ છે. પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલ અને સરવનસિંહ પંધેરની અટકાયત કરી હતી. ખેડૂતો ખનૌરી અને શંભૂ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આશરે ૨૦૦ ખેડૂતોની પણ અટકાયત કરાઇ હતી. હાલ ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બન્ને સરહદે ત્રણ હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.
ખનૌરી સરહદે માર્ચ કાઢવા જઇ રહેલા આશરે ૨૦૦ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ તે સાથે જ અનેક નેતાઓને ત્યાં પણ તપાસ કરાઇ રહી છે. જ્યારે શંભૂ બોર્ડર પર આશરે ૩૦૦ જેટલા ખેડૂતો છે જેમને પણ અટકાયતમાં લેવાની તજવીજ હાથ ધરાઇ રહી છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થતા સંગરુર અને પટિયાલા તેમજ ખનૌરી સરહદ આસપાસ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રખાઇ છે.
ગયા વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગો સાથે પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી કૂચ માટે નિકળ્યા હતા, જેમને હરિયાણાની પોલીસે શંભૂ અને ખનૌરી સરહદે સિમેન્ટના બ્લોક અને ખિલા ધરબીને અટકાવી દીધા હતા. આ દરમિયાન ખેડૂતો પર ખુબ આંસુ ગેસનો મારો ચલાવાયો હતો. જે બાદ ખેડૂતો ત્યાં જ ધરણા પર બેઠા છે. હવે આ ખેડૂતોને હટાવવામાં પંજાબ સરકાર પણ જોડાઇ છે. પંજાબ પોલીસે હાલ ખેડૂતોના તંબુને જેસીબીની મદદથી ઉખાડી નાખ્યા છે. જ્યારે અનેકની અટકાયત કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે.
આ સ્થિતિ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે કાવતરાના ભાગરુપે ખેડૂતો પર હુમલા કરાઇ રહ્યા છે. ખેડૂતોએ નહીં પણ સરકારે રોડ બ્લોક કર્યા છે. ખેડૂતો દિલ્હી આવવા માગે છે, તેમને અટકાવવા પોલીસે રોડ બ્લોક કરી દીધા છે. દરમિયાન પટિયાલાના એસએસપી નાનકસિંહે કહ્યું હતું કે ખેડૂતો લાંબા સમયથી શંભૂ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. યોગ્ય ચેતવણી આપ્યા બાદ અમે તેમને ધરણા સ્થળેથી હટાવ્યા છે. બીજી તરફ જેવા ખેડૂતોને પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા કે તુરંત જ અન્ય ખેડૂતો ખનૌરી અને શંભૂ સરહદ તરફ પહોંચવા નિકળ્યા હતા જેને પગલે હાલ ફરી આ વિસ્તારમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટા પ્રમાણમાં સામસામે ઘર્ષણ થવાની શક્યતાઓ છે. આ પહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ચંડીગઢમાં સાતમી વખત બેઠક મળી હતી જોકે તેમાં કોઇ નિરાકરણ નહોતુ આવ્યું. કેન્દ્ર સરકારના ડેલિગેશનમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ સામેલ થયા હતા, હવે આ મુદ્દે ચાર મેના રોજ ફરી બેઠક યોજવામાં આવશે.