![]()
મુંબઈ : દ્વીપક્ષી વેપાર કરાર માટેની વાટાઘાટ આગળ વધારવા યુરોપિયન યુનિયનનું સાત સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતા સપ્તાહે સોમવારથી ભારતની મુલાકાતે આવી રહ્યું છે. વાઈન્સ, વાહનો, ગારમેન્ટસ, સ્ટીલ સહિતના મુદ્દા પર બન્ને પક્ષ વચ્ચે ચર્ચા થવા અપેક્ષા છે.
૨૭થી ૨૯ ઓકટોબર દરમિયાનની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ભારત સાથે વેપાર, આર્થિક તથા ઈન્વેસ્ટમેન્ટ સંબંધો પરની ચર્ચાને આગળ વધારશે જેથી લાંબા સમયથી અટકી પડેલા દ્વીપક્ષી મુકત વેપાર કરાર માટેનો માર્ગ મોકળો થઈ શકે એમ દેશના વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા વાહનો, વાઈન્સ તથા કૃષિ સેગમેન્ટસ જેવા મુદ્દા બાબતે યુરોપિયન યુનિયન આગ્રહ ધરાવી રહ્યું છે.
બીજી બાજુ ભારત પોતાના ફાર્મા પ્રોડકટસ, સ્ટીલ તથા રેડીમેડ ગારમેન્ટસ માટે યુરોપમાં સરળ બજાર જોડાણ ઈચ્છી રહ્યું છે.
ભારત તથા યુરોપિયન યુનિયન ૨૦૨૫ના અંત સુધીમાં મુકત વેપાર કરાર કરી લેવા ઈરાદો ધરાવે છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારત તથા યુરોપ વચ્ચે ૧૩૫ અબજ ડોલરનો દ્વીપક્ષી વેપાર થયો હતો. મુકત વેપાર કરારથી બન્ને બાજુએ વેપારમાં વધારો થવાની ધારણાં રાખવામાં આવે છે.










