![]()
Amazon Global Selling: ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતની વધતી વૈશ્વિક પકડને પુષ્ટિ આપતા એમેઝોને આજે (27 ઓક્ટોબર, 2025) જાહેરાત કરી કે તેના ફ્લેગશિપ ‘એમેઝોન ગ્લોબલ સેલિંગ (AGS)’ પ્રોગ્રામ દ્વારા ભારતીય વિક્રેતાઓએ 2015 થી 2025 વચ્ચે કુલ 20 બિલિયન ડોલર (અબજ)ની ઈ-કોમર્સ નિકાસનો આંકડો વટાવી દીધો છે.
કંપનીએ અગાઉ 2020માં 2025 સુધીમાં ભારતમાંથી $10 બિલિયનની નિકાસ સક્ષમ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને સુધારીને $20 બિલિયન કરવામાં આવ્યો હતો, જે સમયમર્યાદા પહેલા જ હાંસલ કરી લેવામાં આવ્યો છે. આ સિદ્ધિ વૈશ્વિક વેપારમાં ભારતીય વ્યવસાયોની વધતી મહત્વાકાંક્ષા અને ઈ-કોમર્સ નિકાસની ભૂમિકા દર્શાવે છે.
10 વર્ષની સફળતા અને વિસ્તરણ:
2015માં શરૂ કરાયેલા એમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામે છેલ્લા 10 વર્ષોમાં 2 લાખથી વધુ ભારતીય નિકાસકારોને રજીસ્ટર કર્યા છે. આ વિક્રેતાઓએ વિશ્વભરના ગ્રાહકોને 75 કરોડથી વધુ ‘મેડ ઇન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં આ પ્રોગ્રામ પર નોંધાયેલા વિક્રેતાઓની સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે.
એમેઝોન ગ્લોબલ સેલિંગ ઈન્ડિયાના હેડ, નિધિ કલ્વપુડીએ જણાવ્યું હતું કે, “અમે હેલ્થ અને પર્સનલ કેર, બ્યુટી, ટોય્ઝ, હોમ, એપરલ અને ફર્નિચર જેવી કેટેગરીમાં ભારતની પરંપરાગત નિકાસ શક્તિઓમાં મજબૂત વૃદ્ધિ જોઈ છે.”
નવા લક્ષ્યાંકો:
આ સફળતાને પગલે, એમેઝોને 2030 સુધીમાં ભારતથી કુલ ઈ-કોમર્સ નિકાસનો લક્ષ્યાંક $20 બિલિયનથી વધારીને $80 બિલિયન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કંપનીએ જણાવ્યું કે આ પ્રયાસો ભારત સરકારના 2030 સુધીમાં $200-$300 બિલિયન સુધી પહોંચવાના નિકાસ લક્ષ્યાંક સાથે સુસંગત છે.
વિકાસના મુખ્ય ક્ષેત્રો:
AGS પ્રોગ્રામને દેશભરમાં વ્યાપક સ્વીકૃતિ મળી છે, જેમાં 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને 200થી વધુ શહેરોના વિક્રેતાઓ નોંધાયેલા છે. આ પ્રોગ્રામ નિકાસકારોને યુએસ, યુકે, યુએઈ, કેનેડા, જર્મની સહિત 18થી વધુ એમેઝોન વૈશ્વિક માર્કેટપ્લેસિસ પર વેચાણ કરવાની તક પૂરી પાડે છે.
એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ટોચની પ્રોડક્ટ કેટેગરીઝ (2015-2024):
• હેલ્થ અને પર્સનલ કેર– 45 ટકા
• બ્યૂટી– 45 ટકા
• ટોય્ઝ– 44 ટકા
• હોમ– 39 ટકા
• એપરલ– 37 ટકા
• ફર્નિચર– 36 ટકા
નાના શહેરોમાંથી નોંધપાત્ર યોગદાન (2024):
2024માં નાના શહેરોના નિકાસકારોએ પણ એમેઝોન ગ્લોબલ સેલિંગમાં મોટો ફાળો આપ્યો છે.
- તમિલનાડુના કરુરના નિકાસકારોએ: $147 મિલિયન
- ગુજરાતના જામનગરના નિકાસકારોએ: $60 મિલિયન
- ગુજરાતના આણંદના નિકાસકારોએ: $44 મિલિયન
- તમિલનાડુના ઇરોડના નિકાસકારોએ: $34 મિલિયન
- ઉત્તરાખંડના હરિદ્વારના નિકાસકારોએ: $25 મિલિયન
- હરિયાણાના પાનિપતના નિકાસકારોએ: $22 મિલિયન
એમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ, ટેક્નોલોજી, ક્રોસ બોર્ડર શિપિંગ, લોજિસ્ટિક્સ અને પેમેન્ટ્સમાં રોકાણ કરીને ભારતીય MSME અને ઉદ્યોગસાહસિકો માટે નિકાસને વધુ સરળ અને સુલભ બનાવવાનું ચાલુ રાખશે.










