વડોદરા,કારેલીબાગના હિટ એન્ડ રનના બનાવમાં રક્ષિત ચોરસીયા અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું ખૂલતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં નાસતા ફરતા આરોપીને પણ પોલીસે ઝડપી પાડયો છે.
હોળીની રાતે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ઓવર સ્પીડમાં ફોક્સ વેગન કાર ચલાવી ત્રણ વાહનોને રક્ષિત ચોરસીયાએ ટક્કર મારતા હેમાલી પટેલનું મોત થયું હતું. જ્યારે અન્ય સાતને ઇજાઓ પહોંચી હતી.
આ કેસમાં રક્ષિત અને તેની સાથે કારમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણે નશો કર્યો હોવાની શંકા પોલીસને હતી. તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે, રક્ષિત અકસ્માત કર્યા પહેલા તેમના મિત્ર સુરેશ ભરવાડના ઘરે વારસિયાની પારસ સોસાયટીમાં ગયા હતા.જેથી, રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ત્રણેયે નશો કર્યો હોવાની શંકા હતી. જેથી,ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ ત્રણેયના બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં ત્રણેયે ગાંજાનો નશો કર્યો હોવાનું ખૂલતા પોલીસે ત્રણેયની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે પ્રાંશુની ધરપકડ કરી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમ બનાવી હતી. પોલીસે આરોપી સુરેશ ભલાભાઇ ભરવાડને ગોલ્ડન ચોકડી નજીકથી ઝડપી પાડયો હતો. આરોપીને વારસિયા પોલીસને સોંપવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.