![]()
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની બેઠકોમાં ફેરફાર થતા કેટલાક કાઉન્સિલરોની આપોઆપ બાદબાકી થઈ જતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 1માં એક મહિલા બેઠક બક્ષીપંચ અને એક પુરુષ બેઠક આદિવાસી થતા કોંગ્રેસના બે કોર્પોરેટરની ટિકિટ કપાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. દરમિયાન આજે 86 ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંમેલનમાં વોર્ડ નં.1માં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા માંગ ઉઠી હતી.
તાજેતરમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નં.1 ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી. જેથી વોર્ડના નાગરિકો વતી 86 ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, આ વોર્ડમાં અનુસૂચિત જાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. જેથી બંધારણીય રીતે બેઠક ફાળવવામાં આવી નથી. જે અનુસૂચિત જાતિના નાગરિકો સાથે અન્યાય સમાન છે. બીજી તરફ આ વોર્ડમાં જુજ ઓછી વસ્તી ધરાવતી જાતિની બેઠકો અનામત રાખી રાખવામાં આવતા પરિસ્થિતિ સાથે અનુકૂળ નથી. વોર્ડ નં.1માં અનુસુચિત જાતિના અંદાજે 18,542 મતદારો છે. મતદારોની અવગણના ન થાય તે માટે અનુસૂચિત જાતિની બેઠક ફાળવવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં શહેરમાં અનામત બેઠકની ફાળવણી વસ્તીને ધ્યાનમાં રાખીને થતી હતી. તે મુજબ ફેર વિચારણા કરી અનુસુચિત જાતિ માટે બેઠકની ફાળવણી કરવી જરૂરી છે. આ અંગે વડોદરા જિલ્લા કલેકટર રાજ્ય ચૂંટણી કમિશનર, વડોદરા શહેર ભાજપ અને કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરાઈ છે.










