![]()
વડોદરા,શહેરના અલગ – અલગ વિસ્તારમાંથી ટેમ્પોની ચોરી કરતા રીઢા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. તેની પૂછપરછ દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકલ્યો છે.
શહેરમાંથી ચાર ટેમ્પોની ચોરી થઇ હતી. જેની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા અગાઉ ટ્રક અને ટેમ્પોની ચોરીમાં પકડાયેલા રીઢા આરોપી સુખદેવસિંગ સોહલની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવી હતી. પોલીસે મળેલી માહિતીના આધારે તપાસ કરતા રણોલી બ્રિજ તાપી હોટલની નજીક આવેલ એક ગેરેજમાં ટેમ્પાને કટર વડે કાપી રહેલા સુખદેવસિંગ સજ્જુસિંગ સોહલ, ઉં.વ.૫૮ (રહે. ભાઇલાલ પાર્ક સોસાયટી, તરસાલી રિંગ રોડ, મૂળ રહે. પંજાબ) મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે શહેરમાંથી ચાર ટેમ્પોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ટેમ્પાઓ તેણે કટિંગ કરીને વેચી નાંખ્યા હતા. આરોપીએ તુલસીવાડી રોડ, ડભોઇ રોડ ગણેશ નગર, માંજલપુર અને ફતેગંજ કુમકુમ પાર્ટી પ્લોટ સામેથી ટેમ્પાની ચોરી કરી હતી.










