![]()
– લાઇફસ્ટાઇલ મુજબ રૂ. 10 લાખ આપો : શમીની પત્નીની માગ
– શમીની વાર્ષિક આવક ૪૮ કરોડ રૂપિયા હોવાનો પત્નીનો દાવો, સુપ્રીમે જવાબ માગ્યો
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ હવે શમી પાસેથી મહિને ૧૦ લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું છે. જેના પર આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે હસીન જહાને પૂછ્યું હતું કે હાલ મહિને જે ચાર લાખ રૂપિયા ભરણપોષણ તરીકે મળી રહ્યા છે તે પુરતા નથી?
આ પહેલા કલકત્તા હાઇકોર્ટે ભરણપોષણની રકમ મહિને રૂપિયા ચાર લાખ નક્કી કરી હતી. જેમાં પત્ની હસીન જહા માટે ૧.૫ લાખ અને પુત્રી માટે ૨.૫ લાખ નક્કી કરાયા હતા. જોકે પત્ની હસીને હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે અને રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરી આપવા માગણી કરી છે.
સુનાવણી દરમિયાન હસીન જહાના વકીલે એવી દલીલ કરી હતી કે હસીનની જીવનશૈલી એવી છે કે તેને આ રકમ પુરતી નથી માટે ૧૦ લાખ રૂપિયા કરી આપવામાં આવે. જેમાં સાત લાખ પત્ની માટે અને ત્રણ લાખ પુત્રીને આપવામાં આવે તેવી માગ કરી છે. બાદમાં સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો હતો કે શું હાલ જે ચાર લાખ રૂપિયા મળી રહ્યા છે અપર્યાપ્ત છે? આ સાથે જ સુપ્રીમ કોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમી અને કોલકાતા સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
હવે ચાર સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે. અરજીમાં દાવો કરાયો છે કે શમીએ વર્ષ ૨૦૨૧-૨૨નું આઇટી રિટર્ન ફાઇલ કર્યું છે તેમાં વાર્ષીક આવક ૪૮ કરોડ રૂપિયા દેખાડી છે. તેમ છતા પત્નીને ઓછી રકમ મળી રહી છે. પત્નીએ આ સાથે જ શમીની કારો જેમ કે રેન્જ રોવર, જેગ્યુઆર, મર્સિડિઝ, ફોર્ચ્યુનર વગેરે આપવાની પણ માગણી કરી છે.
શમી અને હસીનના નિકાહ ૨૦૧૪માં થયા હતા, ૨૦૧૮માં હસીને શમી અને તેના પરિવાર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.










