![]()
CM Mamata Banerjee Statement: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગાંગુલીને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના અધ્યક્ષ બનાવી દેવા જોઈતા હતા, પરંતુ હવે તેમને ICCના અધ્યક્ષ બનતા રોકવા સરળ નથી. ઈડન ગાર્ડન્સમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા ઋચા ઘોષના સન્માન સમારોહમાં બોલતા મમતા બેનર્જીએ ગાંગુલી અને ઋચાના વખાણ કર્યા હતા.
‘ગાંગુલીને કોઈ નહીં રોકી શકે’
આ દરમિયાન તેમણે જુના મુદ્દા પર ફરી ટિપ્પણી કરી, જેને લઈને અગાઉ પણ રાજનીતિક હલચલ મચી હતી. મમતાએ કહ્યું કે, ‘અમે હંમેશા ઇચ્છતા હતા કે ગાંગુલી લાંબા સમય સુધી ભારતના કેપ્ટન બનેલા રહ્યા. બીજી એક વાત કહીશ કે ગાંગુલીને કદાચ ખરાબ લાગશે, પરંતુ મને સાચું બોલવાની આદત છે. હાલ આઈસીસીના અધ્યક્ષ કોણ હોવા જોઈતા હતા? કોઈ બીજું નહીં પરંતુ સૌરવ ગાંગુલી. ભલે તેઓ હજુ નથી બન્યા, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ જરૂર બનશે. તેમને રોકવા આટલું સરળ નથી.’
આ પણ વાંચો: એશિયા કપ ટ્રોફીને લઈને મોટી અપડેટ, નકવી અને BCCI વિવાદ ઉકેલવા માટે તૈયાર
અગાઉ પણ મમતા બેનર્જીએ ગાંગુલીને આપ્યું હતું સમર્થન
ઓક્ટોબર 2022માં જ્યારે ગાંગુલીને BCCI પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારે મમતા બેનર્જીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંગુલીને ICC ચૂંટણી લડવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ પ્રશ્ન કર્યો હતો કે, ‘સૌરવ ગાંગુલીને કેમ હટાવવામાં આવ્યા?’
દાદા ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. 2000માં મેચ ફિક્સિંગ વિવાદ પછી તેમણે ટીમનો હવાલો સંભાળ્યો અને ટીમમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો હતો. તેમણે 49 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાંથી 21 મેચ જીતી અને 147 ODI માંથી 76 મેચમાં ભારતને જીત અપાવી. 2008 માં નિવૃત્તિ લીધા પછી ગાંગુલીએ ક્રિકેટ વહીવટમાં પ્રવેશ કર્યો. 2015માં, તેઓ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ બન્યા અને 2019માં BCCI પ્રમુખ બન્યા. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે CAB ના પ્રમુખ તરીકે વાપસી કરી.
આ પણ વાંચો: ક્રિકેટ જગતના આ દિગ્ગજને હવે ઓળખવો પણ મુશ્કેલ, ફેન્સને તો વિશ્વાસ જ નથી થતો!










