![]()
કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની શક્યતા
દેશમાં શિયાળો કાતિલ હશે; મેદાની પ્રદેશોમાં શીતલહેર જોવા મળશે, સીઝન દરમિયાન કમોસમી વરસાદ પણ પડશે : હવામાન વિભાગ
નવી દિલ્હી: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વર્ષે ધારણાથી વધારે ઠંડી પડશે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. દેશના કેટલાય રાજ્યોમાં અચાનક તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઘણાં રાજ્યોમાં ડિસેમ્બર પહેલાં જ ેકાતિલ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આ વર્ષે થોડી વહેલી આવી ઠંડી આવી ગઈ તે પાછળનું કારણ છે – લા નિના. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઠંડીની સાથે સાથે પહાડી રાજ્યોમાં બરફવર્ષાની પણ શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે. દરેક વખતે જેવું વાતાવરણ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં અનુભવાતું હોય છે એવું વાતાવરણ નવેમ્બરની શરૂઆતમાં જ જોવા મળ્યું છે. આ પરિવર્તન પાછળ જવાબદાર પરિબળ છે લા નિના. આ દરિયાઈ પરિબળ સમુદ્રના ઠંડા પવનને મેદાનોમાં ખેંચી લાવે છે. તેના કારણે દરિયાઈ ઠંડકનો અનુભવ મેદાની પ્રદેશોમાં થાય છે. તેની અસર સમગ્ર વાતાવરણ પર પડે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં બરફવર્ષા થાય તેવી પૂરી શક્યતા છે.બીજી તરફ મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડીને ઝડપભેર ૧૦ની નીચે સરકી ગયો છે. તાપમાન નીચું જતાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, બિહાર જેવા રાજ્યોમાં ઠંડું મોજું ફરી વળ્યું છે.
મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઈન્દોર જેવા શહેરોમાં તાપમાન ૭ ડિગ્રી થઈ જતાં તેની જનજીવન પર અસર થઈ છે. કેટલાય જિલ્લામાં કોલ્ડવેરની સ્થિતિ છે. માત્ર ઉત્તર ભારત જ નહીં, દક્ષિણ ભારત પણ ઠંડીની અસરમાં આવ્યું છે. દક્ષિણ ભારતના હિલ સ્ટેશનો અત્યારથી જ ઠંડાગાર બની ગયા છે.
આ વર્ષે આવી કાતિલ ઠંડીની શરૂઆત લા નિનાના પ્રભાવથી થઈ છે. આખી સીઝન દરમિયાન આ સમુદ્રી ફેક્ટરની અસર રહેશે તેના કારણે ઠેર-ઠેર કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ રહેશે. આ અસર રહેશે તો સીઝનમાં હોય એનાથી વધારે ઝાકળ આવશે. કોલ્ડવેરના દિવસો વધશે. હવામાન વિભાગે એવી સંભાવના વ્યક્ત કરી છે કે નવેમ્બરના અંતથી જાન્યુઆરીની શરૂઆત સુધી ભારતના કેટલાય રાજ્યોમાં કાતિલ કોલ્ડવેવની સ્થિતિનો અનુભવ થશે.










