![]()
– કપડવંજ તાલુકા પંચાયતમાં એક ફોટો વારંવાર અપલોડ કરી સહાય અપાઈ હતી
– ગરોડ ગામના બે લાભાર્થીઓના ફોર્મમાં એક જ ફંડ ટ્રાન્સફર ઓર્ડરની એન્ટ્રી : પ્લીન્થ લેવલના કામની ચૂકવણીમાં ફાઈનાન્સિયલ ફ્રોડ થયાની સંભાવના : ઉચ્ચકક્ષાએ તપાસની માંગણી
નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ભ્રષ્ટાચારની મોડેસ ઓપરેન્ડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કપડવંજ તાલુકાના ગરોડ ગામના બે અલગ-અલગ લાભાર્થીઓના પ્લીન્થ લેવલના ૮૦,૦૦૦ રૂપિયાના હપ્તા માટે એક જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર (એફટીઓ) નંબરનો ઉપયોગ કરીને ગેરકાયદે સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારી રેકર્ડ પરથી જણાય છે. આ ઘટના ફરી એકવાર આવાસ વિભાગના કર્મચારીઓ અને લાભાર્થીઓની મિલિભગતથી થયેલા નાણાંકીય કૌભાંડ તરફ ઈશારો કરે છે. જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે.
કપડવંજ તાલુકાના ગરોડ ગામમાં અલ્પેશકુમાર લક્ષ્મણભાઈ જીજે૧૪૭૮૧૭૦૪૮ અને દશરથભાઈ રવજીભાઈ સોલંકી જીજે૧૪૭૮૧૬૯૭૯ બે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બંને લાભાર્થીઓના મકાનનું પ્લીન્થ લેવલનું કામ પૂર્ણ થયા બદલ ૮૦,૦૦૦ રૂપિયાનો બીજો હપ્તો ચૂકવવા માટે ઓનલાઈન પોર્ટલમાં ગેરરીતિ આચરવામાં આવી હતી.
નિયમ મુજબ, દરેક લાભાર્થીના મકાનના કામની પ્રગતિની ચકાસણી કરીને અલગ-અલગ એફટીઓ તૈયાર કરી નાણાંની ચુકવણી થાય છે. જોકે, અહીં કર્મચારીઓએ બંને લાભાર્થીઓ માટે એક જ એફટીઓ નંબર – જીજે૧૧૧૩૦૦૮ ૦૮૦૪૨એફટીઓ૫૮૮૭૮૦ નો ઉપયોગ કર્યો હતો. બંને લાભાર્થીને એક જ દિવસે તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ કુલ ૧,૬૦,૦૦૦ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
આ જ એફટીઓ નંબર પર બંને લાભાર્થીને ચુકવણી થવાથી પ્લીન્થ લેવલનું સ્થળ નિરીક્ષણ અને જિયોટેગિંગની પ્રક્રિયાને ઇરાદાપૂર્વક બાયપાસ કરવામાં આવી છે, માત્ર કાગળ પર કામ પૂર્ણ થયું દર્શાવીને નાણાં સેરવી લેવાયા છે. એક જ ગામના બે જુદા-જુદા લાભાર્થીઓના બાંધકામની પ્રગતિને એક જ એફટીઓમાં સાંકળી નવા પ્રકારે નાણાંકીય કૌભાંડ કરાયું હોવાનો આક્ષેપ છે.
આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કપડવંજ તાલુકામાં આવી રીતે કેટલાય કેસમાં ફાઈનાન્સિયલ ફ્રોડ કરીને કરોડો રૂપિયાની સહાય ચૂકવાઈ હશે તેવું બહાર આવી શકે તેમ છે.
અગાઉ જૂના મકાનોના, એક જ સ્થળે બે લાભાર્થીના ફોટાથી ચૂકવણી થઈ હતી
અગાઉ એક જ ફોટો વારંવાર અપલોડ કરવા, જૂના મકાનોના ફોટાનો ઉપયોગ કરવા અને એક જ સ્થળે બે લાભાર્થીના ફોટા પાડીને સહાય ચૂકવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હવે એક જ એફટીઓ નંબરથી બે લાભાર્થીઓને સહાય ચુકવાતા વધુ એક કૌભાંડની શંકા છે.
ટેકનિકલ બાબત છે, તપાસ કરવી પડશેઃ વિસ્તરણ અધિકારી
આ સમગ્ર મામલે કપડવંજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સત્વનસિંહ ભટેરીયાએ જણાવ્યું હતું કે, એક જ એફટીપી નંબરથી સહાય ચુકવાઈ હશે, તો કોઈ ટેકનીકલ બાબત હશે, એકાઉન્ટન્ટ પાસે તે અંગેની ખરાઈ કરાવ્યા બાદ જવાબ આપી શકાય. અલગ અલગ સહાયમાં એક જ ફોટા મામલે તેમણે જણાવ્યું હતું કે, આ શક્ય તો નથી, અમારે ડીડીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે.
પ્લિન્થ લેવલ અને રૂફ કાસ્ટ માટેના અપલોડ ફોટામાં દિશા અને નકશા ભિન્ન
આ સમગ્ર મામલે બીજી ધ્યાનાકર્ષક બાબત એ છે કે, દશરથભાઈ રવજીભાઈ સોલંકી જીજે૧૪૭૮૧૬૯૭૯ ને જે સહાય ચુકવાઈ, તેમાં પ્લીન્ટ લેવલ માટે ૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જે ફોટો અપલોડ કરાયો તે અને તા. ૧૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ રૂફ કાસ્ટનો જે ફોટો દર્શાવ્યો, તેમાં ખૂબ મોટા પાયે ફોટાના એંગલ અને નક્શા ભિન્ન દેખાઈ રહ્યા છે. આ જ મુજબ અલ્પેશકુમાર લક્ષ્મણભાઈ જીજે૧૪૭૮૧૭૦૪૮ ની સહાયમાં પ્લીન્થ લેવલના ફોટામાં ડાબી તરફ દરવાજો અને બારી દેખાઈ રહી છે, જ્યારે રૂફ કાસ્ટ માટે અપલોડ કરેલા ફોટામાં બારી ગાયબ છે અને દરવાજો જમણી તરફ આવી ગયો છે. આ અંગે પણ ઉંડાણપૂર્વક તપાસની માંગણી ઉઠી છે.










