![]()
અમદાવાદ,બુધવાર,19
નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિ.ની પુરી થઈ રહેલી વર્તમાન ટર્મમાં કમિટીના
ચેરમેન,ડેપ્યુટી
ચેરમેન સહિત આખી હાઉસીંગ કમિટીને કોર્પોરેશનના અધિકારીએ વટવામાં આવેલા જેએનયુઆરએમ
આવાસમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ કરનારા લોકોને આવાસ ખાલી કરવા નોટિસો અપાઈ ગઈ
હોવાનો જવાબ આપી ગેરમાર્ગે દોરી હતી.કમિટીમાં ખોટો જવાબ આપનાર અધિકારી સામે ઠપકાની
દરખાસ્ત લાવવા કમિટી ચેરમેન મુકેશ પટેલે ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને સુચના આપી છે.
સાબરમતી રિવરફ્રન્ટ બનાવવાની શરૃઆત થઈ એ સમયે નદીના પટમાં ઝૂંપડા
બાંધી રહેતા લોકોને ખાલી કરાવી વટવા વિસ્તારમાં જે.એન.યુ.આર.એમ. પ્રોજેકટ હેઠળ મળેલી
ગ્રાન્ટમાંથી કોર્પોરેશન દ્વારા આવાસ બનાવાયા હતા.રિવરફ્રન્ટ પ્રોજેકટના અસરગ્રસ્તોને
વટવા ખાતે આવાસની ફાળવણી કરાઈ હતી.કોર્પોરેશનની ટીમ દ્વારા થોડા સમય પહેલા પોલીસની
મદદ લઈ ૪૧૬ આવાસનો સર્વે કરાયો હતો.જે પૈકી ૨૮૫ આવાસમા મુળ લાભાર્થીના બદલે ગેરકાયદે
વસવાટ કરાતો હોવાનુ તંત્રના ધ્યાનમાં આવ્યુ હતુ.બુધવારે હાઉસીંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનના
જવાબદાર અધિકારી તો ગેરહાજર હતા.પરંતુ તેમની જગ્યાએ બેઠકમા હાજર રહેનારા અધિકારીએ ગેરકાયદે
વસવાટ કરનારા ૨૮૫ આવાસના રહીશોને આવાસ ખાલી કરવા કોર્પોરેશન તરફથી નોટિસ અપાઈ હોવાનો
ખોટો જવાબ અપાયો હતો.ચેરમેને તપાસ કરતા અધિકારીએ કમિટીને ગેરમાર્ગે દોરી આવાસ ખાલી
કરાવવા નોટિસ અપાઈ હોવાનુ કહયુ અને આ બાબત કમિટીની મિનીટબુકમાં પણ નોટ કરવામાં આવી
હતી.કોર્પોરેશનના અધિકારીઓ કમિટીને ગેરમાર્ગે દોરે એવી આ ટર્મની આ પહેલી ઘટના સામે
આવી છે.










