Rajkot-Gondal Bridge: રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા નવનિર્મિત નેશનલ હાઇવે ઓથોરિટીના બ્રિજની લોખંડની પટ્ટીઓ તૂટી ગઇ છે. થોડા સમય પહેલાં લોકાપર્ણ કરવામાં આવેલા આ બ્રિજનો વીડિયો વાઇરલ થતાં તંત્રમાં હરકત મચી જવા પામી છે. રાજકોટ-ગોંડલને જોડતા બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે. જોઇન્ટની પટ્ટી નીકળતાં અકસ્માતની સંભાવના વધી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ છે. આ વીડિયોમાં હાઇવે ઓથોરિટીની બેદરકારી અને કૌભાંડની બૂ આવી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
જાગૃત નાગરિક દ્વારા વીડિયો શેર કર્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રીપેરીંગ ટીમના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિએ લોખંડની પટ્ટીઓ ચોરી કરવાના ઇરાદે આ કૃત્યું કર્યું હોવાની આશંકા છે. વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીનાં ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. ત્યારે લોખંડની પટ્ટીઓ નીકળી ગઇ હોવાથી અકસ્માત ન સર્જાઇ તે માટે હાઇવે ઓથોરિટી દ્વારા બેરીકેટ મૂકીને રીપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.