![]()
વડોદરા,અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસને માહિતી મળી હતી કે, અટલાદરા ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાનના ગેટની બાજુમાં બ્લ્યૂ કલરના કેબિન પાસે એક વ્યક્તિ બાઇક લઇને ગાંજા સાથે ઊભો છે. પોલીસે સ્થળ પર જઇને ચેક કરતા રાજ કાલીદાસ ઓગણીયા (રહે. વુડાના મકાનમાં, ખિસકોલી સર્કલ પાસે) મળી આવ્યો હતો. તેની બાઇક પર લટકાવેલી બેગમાં ચેક કરવામાં આવી હતી. તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ૨૦ નાની થેલીમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. તેમજ રોકડા ૨૨,૩૪૦ રૃપિયા મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તાંદલજા ગુજરાત ટ્રેક્ટરની પાછળ રહેતા આકીલ બાવા પાસેથી ગાંજાનો જથ્થો લાવીને પડીકીઓ બનાવી વેચાણ કરૃં છું. પોલીસે ૧૪૫ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૭,૨૫૦, રોકડા ૨૨,૩૪૦, બાઇક, મોબાઇલ ફોન અને બેગમાંથી મળેલા બે વજન કાંટા મળીને કુલ રૃપિયા ૧.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.










