![]()
વડોદરાઃ અત્યારે વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી ચાલી રહી છે.ઐતહાસિક વારસા અને સંસ્કૃતિની રીતે વડોદરા સમૃધ્ધ શહેરો પૈકીનું એક છે.ખાસ કરીને ગાયકવાડી શાસનકાળ દરમિયાન વડોદરા રાજ્યની બોલબાલા વિદેશોમાં પણ હતી.
શહેરના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની જાહોજલાલી આજે પણ અકબંધ છે. વિશ્વના ખ્યાતનામ સાહિત્યકાર અને અમેરિકન સાહિત્યના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા લેખક માર્ક ટ્વેઈનની વડોદરાની મુલાકાત અને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં તેમનું ભાષણ એક રસપ્રદ ઘટના હતી.માર્ક ટ્વેઈન ૧૯૦૦ની સાલમાં ૩૧ જાન્યુઆરીએ પોતાની પુત્રી ક્લેરા સાથે વડોદરા આવ્યા હતા.તેમણે પોતાના પ્રવાસ વર્ણન… અ જર્ની એરાઉન્ડ ધ વર્લ્ડમાં …વડોદરાની મુલાકાતનું વર્ણન કરતા લખ્યું છે કે, રાજકુમાર ( મહારાજા સયાજીરાવ તે વખતે ૩૨ વર્ષના હતા) એક શિક્ષિત સદગૃહસ્થ છે.તેમના પર યુરોપિયન સંસ્કૃતિનો પ્રભાવ છે અને તેઓ પાંચ વખત યુરોપની મુલાકાત લઈ ચૂકયા છે.
માર્ક ટ્વેઈને પેલેસના દરબાર હોલમાં ૩૦૦ લોકો સમક્ષ વક્તવ્ય પણ આપ્યું હતું અને તેમને અવાજના પડતા પડઘાના કારણે દરબાર હોલ જાહેર વક્તવ્ય માટે અનુકુલ લાગ્યો નહોતો.તેમણે નોંધ્યું છે કે, આ જગ્યા દરબાર ભરવા માટે અને રાજ્યના કામકાજ માટે એકદમ યોગ્ય છે.જો મારી પાસે આવો હોલ હોત તો હું વર્ષમાં બે વખત નહીં પણ રોજ દરબાર ભરત.
વડોદરાના બજારોમાં ચારે તરફ માણસોના ટોળા હતા, ધૂમાડાની ગંધ વ્યાપેલી હતી
માર્ક ટવેઈનને વડોદરાના બજારોમાં ફરવાનો, ઐતિહાસિક મકાનો જોવાનો અને નવો જ બનાવાયેલો મહેલ જોવાનો મોકો મળ્યો હતો.ટ્વેઈને નોંધ્યું છે કે, નવો મહેલ અમેરિકન અને યુરોપિયન સ્થાપત્યનું મિશ્રણ છે.જે ભારતની દ્રષ્ટિએ સાવ વિદેશી લાગે છે.જ્યારે જૂનો મહેલ( લક્ષ્મી વિલાસ પેલેસ) મનમોહક, પ્રાચીન અને ભારતીય સંસ્કૃતિ સાથે એકરુપ હતો.બજારોમાં દરેક જગ્યાએ ઘોંઘાટ અને માણસોના ટોળા જોવા મળતા હતા.ચારે તરફ ધુમાડો અ્ને તેની ગંધ વ્યાપેલી હતી.સરવાળે અદભૂત અને આનંદ પમાડે તેવો માહોલ હતો.
હાથીની સવારી પણ કરી હતી
માર્ક ટ્વેઈને હાથીની સવારી પણ કરી હતી.તેમણે કહ્યું હતું કે, ભારતના બીજા ક્રમના રાજ્યના ખજાનામાં મને ઝવેરાત ચો જોવા મળ્યું નહોતું પણ સોનાની અને ચાંદીની તોપ જોવાનો લ્હાવો ચોક્કસ મળ્યો હતો.










