મુંબઈ : દેશમાં સસ્તા સ્ટીલની આયાત પર સેફ ગાર્ડ ડયૂટી લાગુ થવાની ધારણાંને પગલે છેલ્લા કેટલાક સપ્તાહથી સ્ટીલના ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે, પરંતુ અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોરને પરિણામે દેશમાં સ્ટીલની આયાતમાં વધારો થવાનું અને નિકાસ ઘટવાનું જોખમ રહેલુ છે.
ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ના ભાવમાં પ્રતિ ટન ૬૦૦નો વધારો થયો છે. એચઆરસીનો ભાવ જે ફેબુ્રઆરીમાં રૂપિયા ૪૮૪૦૦ બોલાતો હતો તે હાલમાં વધી ટન દીઠ રૂપિયા ૪૯૦૦૦ આસપાસ બોલાઈ રહ્યો છે. જાન્યુઆરીમાં રૂપિયા ૪૭૦૦૦ કવોટ થતા હતા.
ભારતની સ્ટીલની મોટાભાગની આયાત ફલેટ સ્ટીલ સેગમેન્ટમાં થાય છે. અમેરિકા દ્વારા સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર આયાત ડયૂટી લાગુ કરાતા ભારતમાં સસ્તા સ્ટીલની આયાત વધવાનું જોખમ વધી ગયું હોવાનું ટ્રેડરો માની રહ્યા છે.
ચીન ખાતેથી દેશમાં સસ્તા સ્ટીલના ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. સસ્તા સ્ટીલની આયાતને કારણે નુકસાન ભોગવલું પડતું હોવાની દલીલ કરી સ્થાનિક ઉદ્યોગોએ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે, જેના અનુસંધાનમા ંસરકાર હાલમાં તપાસ કરી રહી હોવાનું પણ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
ટેરિફ વોરને કારણે વિશ્વ વેપારના ગણિતો બદલાઈ જવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર એપ્રિલથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની અમેરિકા દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે વર્તમાન નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે આગળ જતા પડકારરૂપ બની શકે છે.
દક્ષિણ કોરિઆ, ચીન તથા જાપાન ખાતેથી સ્ટીલ આયાત વર્તમાન નાણાં વર્ષના પ્રથમ દસ મહિનામાં વિક્રમી રહી હોવાનું પ્રાપ્ત સરકારી ડેટા જણાવે છે. વિશ્વમાં ભારત ક્રુડ સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ હોવા છતાં વર્તમાન નાણાં વર્ષમાં ફિનિશ્ડ સ્ટીલની વિક્રમી આયાતને પગલે તે નેટ ઈમ્પોર્ટર રહ્યો છે.