અમદાવાદ, બુધવાર
રામોલ પોલીસે તાજેતરમાં મોટી માત્રામાં દારુનો જથ્થો પકડયો હતો. ગઇકાલે બુટલેગરની ધરપકડ કરતાં તેને છોડવવા માટે આવેલા આરોપીના પિતાએ જામીન આપવાની વાત કરીને પોલીસ સાથે તકરાર કરીને પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કરીને પોલીસ સ્ટેશન માથે લઇને હોબાળો મચાવ્યો હતો. રામોલ પોલીસે બુટલેગરની સાથે તેના પિતા સહિત બે જણાની પણ ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામીન આપવાનું કહી તકરાર કરતાં પોલીસે આરોપી પુત્રની સાથે પિતાની પણ ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાર્તિકભાઇ મોતીભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા ભુવનેશ્વરસિંગ તથા બ્રિજેશ સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે દારુના ગુનામાં નાસતા ફરતા અને વસ્ત્રાલમાં રહેતા પ્રકાશ નામના બુટલેગરની ધરપકડ કરી હતી. જેને લઇને તેની માસીએ પોલીસ સ્ટેશન આવીને આરોપીને જામીન ઉપર છોડવાની રજુઆત કરી હતી જો કે પોલીસે સમજાવતા તે જતા રહ્યા હતા.
ત્યારબાદ આરોપીના પિતા તથા તેમના મિત્ર પોલીસ સ્ટેશને આવ્યા હતા પોલીસે મોટી માત્રામાં દારુ પકડયો હોવાથી અમે જમીન ઉપર છોડી શકતા નથી તેમ કહેતા બન્નેને પોલીસ સ્ટેશનમાં બુમાબુમ કરીને આરોપીને છોડાવવા માટે ધમપછાડા કરીને હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે બળપ્રયોેગ કરીને બન્નેને પકડીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.










