![]()
Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, એડમિશન ફોર્મમાં થયેલી અજાણતા કે ગણતરીની ભૂલના કારણે કોઈ MBBS ગ્રેજ્યુએટને NEET-PGમાં પ્રવેશ માટે ગેરલાયક ઠેરવી શકાય નહીં. આમ, હાઈકોર્ટે વર્ષ 2025ની પ્રવેશ પ્રક્રિયાના એક કેસમાં વિદ્યાર્થીને મોટી રાહત આપી છે.
શું હતો સમગ્ર મામલો?
અરજદાર મુબીન અલી ઉમાટિયાએ NEET-PG ના ફોર્મમાં પોતાના MBBS ના ગુણની ટકાવારી દર્શાવવામાં ભૂલ કરી હતી. વાસ્તવિક ટકાવારી 57.33% હતી, પરંતુ ભૂલથી ફોર્મમાં 58.28% લખાઈ ગયું હતું. આ ભૂલના આધારે અરજદારને પ્રવેશ પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવાયો હતો, જેને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ હતી.
કોર્ટે શું આદેશ આપ્યો?
ગુજરાત હાઈકોર્ટે અરજદારને ગેરલાયક ઠેરવતા આદેશને રદ કર્યો છે. કોર્ટે ‘એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સ’ (ACPMC) અને ‘નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ’ ને નિર્દેશ આપ્યો છે કે અરજદારના રેકોર્ડમાં ટકાવારી સુધારીને 57.33% કરવામાં આવે અને તેને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં આવે.
આ સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, ‘રેકોર્ડ પર એવી કોઈ બાબત સામે આવી નથી જેનાથી સાબિત થાય કે અરજદારે કોઈ ગેરરીતિ આચરી છે અથવા ઈરાદાપૂર્વક માહિતી છુપાવી છે. આ માત્ર ગણતરીમાં થયેલી માનવીય ભૂલ હતી. જો કોઈ વિદ્યાર્થી અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતો હોય, ત્યારે અજાણતા થયેલી ગણતરીની ભૂલના કારણે વિદ્યાર્થીની કારકિર્દી રોળાવી ન જોઈએ. હજુ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી, તેથી અરજદારના કેસને ધ્યાનમાં લેવો જોઈએ.’
અરજદારના વકીલે દલીલ કરી હતી કે ‘વિદ્યાર્થી પ્રતિભાશાળી છે અને ભૂલ અજાણતા થઈ છે. જો તેને તક મળે તો તે પોતાની પસંદગીની બ્રાન્ચમાં એડમિશન મેળવી શકે છે.’
બીજી તરફ, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ વતી હાજર એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટમાં દલીલ કરી હતી કે ‘ACPMC ફક્ત પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન કરે છે અને નિયમો બનાવવામાં તેની કોઈ ભૂમિકા નથી. તેની પાસે કોઈપણ પ્રકારની ભૂલ સુધારવાનો અધિકાર નથી.’










