– બોદાલ અને અલારસા ગામમાંથી પરિણીતાઓ ઘરેથી ક્યાંક ચાલી ગઈ
આણંદ : આણંદ શહેરની યુવતી તથા બોરસદ તાલુકામાંથી યુવતી અને પરિણીતા રહસ્યમય રીતે ગુમ થયાના અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ અને બોરસદ શહેર પોલીસ મથકોએ નોંધાયા છે. આણંદ શહેરના ઈસ્માઈલ નગર વિસ્તારમાં કબ્રસ્તાન રોડ ઉપર આવેલી ફારૂકી મસ્જિદની પાછળ રહેતા ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખની દીકરી મુસ્કાનબાનું (ઉં.વ.૨૫) ગત તા. ૭ એપ્રિલે ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. શોધખોળ બાદ પણ તેણીનો પત્તો ન લાગતા પરિવારજનોએ આખરે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી.
બીજા બનાવવામાં બોરસદ તાલુકાના બોદાલ ગામે ઇન્દિરા નગરીમાં રહેતી ૨૭ વષય દક્ષાબેન સુનિલભાઈ ગત તા. ૭મીએ કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થતા પતિ સુનિલભાઈએ બોરસદ શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી. અન્ય બનાવમાં બોરસદ તાલુકાના અલારસા ગામે રણછોડપુરા કોલોની ખાતે રહેતા ગોપાલભાઈ ભીખાભાઈ સોલંકીની પત્ની હેતલબેન (ઉં.વ.૩૦) ગત તા. ૭મીએ ગુમ થઈ હતી. પરિવારજનોએ સગા સંબંધીમાં શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળતા આખરે ગોપાલભાઈ સોલંકીએ બોરસદ શહેર પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી છે.