– પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરી
– યુવતી પરિણીત હોવા છતાં ધમકી આપતો હતો 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
વડોદરા : પ્રેમિકાના લગ્ન બાદ અંગત પળોના ફોટો વીડિયો વાયરલ કરી યુવતીની બદનામી સાથે સંસાર ભાંગવાનો પ્રયાસ કરનાર આરોપી પ્રેમીને કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષ સખત કેદની સજા સાથે ૫ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
વર્ષ ૨૦૨૧ માં યુવતીના લગ્ન સાંકરદા ખાતે થયા હતા. યુવતીને લગ્ન અગાઉ મુકેશ ઉર્ફે મુન્નો લક્ષ્મણભાઈ પરમાર (રહે. વાંટાવાળું ફળિયું, આખડોલ ગામ, તા. નડિયાદ, જિ. ખેડા) સાથે પ્રેમ સંબંધ હતો.
લગ્નના બે માસ અગાઉ મુકેશ યુવતીને નડિયાદના ફતેપુર ગામ પાસેના ખેતરની ઓરડીમાં લઈ જઈ સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવતીના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા છતાં મુકેશ યુવતીને ધમકી આપતો હતો કે, ”જો તું સંબંધ નહીં રાખે તો, આપણી અંગત પળોના વીડિયો છૂપી રીતે રેકોર્ડ કર્યા હોવાથી તારા પતિને મોકલી દઈશ” જોકે યુવતી તાબે થઈ ન હતી.
મુકેશે આ બાબતની જાણ યુવતીને પતિને કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અંગત પળોના વીડિયો વાયરલ કરતા યુવતીએ નંદેશરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થર્ડ કોર્ટ નીરજકુમાર યાદવની કોર્ટમાં આ કેસની સુનાવણી થતા ફરિયાદ પક્ષે સરકારી વકીલ એસ. આર. કોષ્ટીએ દલીલો કરી હતી કે કેસ આરોપી વિરૂદ્ધ શંકાથી પુરવાર થાય છે. પુરાવાથી આરોપી સામે ફરમાવવામાં આવેલ તહોમત ફરિયાદ પક્ષ દ્વારા કાયદા મુજબ સાબિત કરેલ હોવાથી આરોપીને કાયદા મુજબ સજા થવી જોઈએ.
યુવતીનો વિશ્વાસ નહીં પણ સંસાર ભાંગવાનો પ્રયાસ કર્યો ઃ કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ યુવતીનો માત્ર વિશ્વાસ નહીં પણ સંસાર ભાંગવાનો પણ પ્રયાસ કર્યો છે, કેસના પુરાવાને ન્યાયના ત્રાજવા પર તોલવામાં આવે ત્યારે આ હકીકતને અવગણી શકાય નહીં, આરોપીએ વીડિયો વાયરલ કર્યો હોઈ કૃત્ય સ્પષ્ટ ફલિત થાય છે, અંગત પળોના ફોટો વીડિયો વાયરલ થતા યુવતીની ઈજ્જત આબરૂને ઠેસ પહોંચી છે. આવા કેસોમાં પતિ પોતાની પત્ની ઉપર લગ્ન પહેલાં કોઈ પ્રસંગ વિશે જાણે તો અલગાવની સ્થિતિનું નિર્માણ થઈ જાય, હાલના કેસમાં પતિ પત્નીએ ન્યાય માટે લડાઈ લડી છે, જે હકીકતને નજર અંદાજ કરી શકાય નહીં.