Mansukh Vasava News : ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાય રહ્યા છે. જે અંતર્ગત નર્મદાની નાંદોદ વિધાનસભા મતવિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે મનસુખ વસાવા આક્રમણ મૂડમાં જોવા મળ્યા હતા. ભાજપના સાંસદે હૈયાવરાળ ઠાલવતાં સરકારની પોલ ઉઘાડી પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે બધાને નોકરી મળવાની નથી, નીચેનું તંત્ર બરાબર નથી.
સાંસદ મનસુખ વસાવા નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે ‘મતદારો નારાજ હોઈ તો પણ ભાજપને જ મત આપે છે. કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે, ભાજપ જ અપાવશે કોંગ્રેસ નહી. બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે.’
જીતવા માટે નહીં પણ ભાજપના ચિન્હ માટે ચૂંટણી લડ્યો હતો
મનસુખ વસાવાએ પોતાની જીવનની જૂની યાદો પણ તાજી કરી કરતાં કહ્યું હતું કે ‘1984માં ભાજપમાંથી જીતવા માટે નહીં પણ ભાજપના ચિન્હ માટે ચૂંટણી લડ્યો હતો. મને તે સમયે 1200 મત મળ્યા હતા. 1989-90ની વિધાનસભા ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો. નવા કાર્યકર્તાઓએ જુના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ. મોદી સાહેબ દ્વારા યુવાનોને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓએ સમર્થન આપવાનું છે.
ટ્રાઈબલ યુનિવર્સિટીનો જોઇએ એવો ફાયદો થતો નથી
ટ્રાઈબલ યુનિવર્સિટીની જાહેરાત થઈ છે પણ કામ હજુ પ્રગતિમાં નથી, લોકોમાં SOU માટે જે કરંટ છે તે ટ્રાઈબલ યુનિવર્સિટી માટે નથી. જેટલું કામ થવું જોઈએ તે દેખાતુ નથી, કામ આગળ નથી વધ્યું, વીસી સારા છે પણ નીચેનું તંત્ર બરાબર નથી. મંત્રી કુબેર ડીંડૉર નું પણ ધ્યાન દોર્યું છે, ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી .
ઘર આંગણે નોકરી નથી મળવાની, 100 કિલોમીટર દૂર જવું પડશે
એક ક્લાર્કની પરીક્ષામાં પાસ થવા કેટલી તકલીફ પડે છે, એના માટે મહેનત તો કરવી પડે છે, પણ બધાને નોકરી નથી મળવાની..તો બાકીના બધાએ કોઈને કોઈ અભ્યાસમાં જોડાઓ. આઈટીઆઈ કરો, ઘરના આંગણે નોકરી નથી મળવાની આસપાસ ઉદ્યોગો છે, 100 કિલોમીટર દૂર જવું પડશે.
ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી
ડેડીયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કૂદાકૂદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે તમને બધાને ચેતવવા માટે આવ્યો છું, ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી પણ ભાજપના કાર્યકર્તાને જાગૃત કરવા માટે આવ્યો છું.