![]()
PM Modi And Rahul Gandhi Meeting : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં તેમની અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંધ બારણે બે કલાક સુધી મહત્ત્વની બેઠક યોજી હતી. રિપોર્ટ મુજબ, આ બેઠકમાં ત્રણેય નેતાઓ વચ્ચે કેન્દ્રીય માહિતી પંચ(CIC)માં મહત્ત્વપૂર્ણ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા ચાલી હતી.
રાહુલ ગાંધીએ અધિકારીઓની પસંદગી અંગે અસહમતિ વ્યક્ત કરી
આ ચર્ચામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(CVC)માં મુખ્ય માહિતી કમિશ્નર, આઠ માહિતી કમિશ્નર અને વિજિલન્સ કમિશ્નરની પસંદગી પર પણ વાતચીત થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ અધિકારીઓની પસંદગી અંગે અસહમતિ વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીના બર્લિન પ્રવાસ મામલે રાજકારણ શરુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આગામી બર્લિન પ્રવાસને લઈને આજે સવારથી જ રાજકારણ શરુ થઈ ગયું છે. લોકસભાના શિયાળુ સત્રની વચ્ચે વિદેશ જવાનો નિર્ણય કરવા બદલ ભાજપે તેમની ટીકા કરી છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીને ‘વિદેશ નાયક’ કહીને કટાક્ષ કર્યો અને વિપક્ષના નેતા તરીકેની પોતાની ફરજને બદલે વિદેશ પ્રવાસ પસંદ કરવા બદલ કોંગ્રેસ નેતા પર પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો : ‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં બોલ્યા કંગના રનૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન
રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે, પ્રવાસનના નેતા નહીં : પૂનાવાલા
પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ફરી એકવાર વિદેશ નાયક તે જ કરી રહ્યા છે જે તેઓ સૌથી સારી રીતે કરે છે – વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. સંસદ 19 ડિસેમ્બર સુધી ચાલશે, પરંતુ અહેવાલો મુજબ રાહુલ ગાંધી 15થી 20 ડિસેમ્બર દરમ્યાન જર્મની જશે. રાહુલ વિપક્ષના નેતા છે, પ્રવાસનના નેતા નહીં. બિહાર ચૂંટણી ટાણે પણ રાહુલ ગાંધી વિદેશમાં હતા અને પછી જંગલ સફારીમાં હતા.’
રાહુલ ગાંધી 17 ડિસેમ્બરે જશે બર્લિન
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 17 ડિસેમ્બરે બર્લિનમાં યોજાનાર એક મોટા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC) કાર્યક્રમમાં ભાગ લેવાના છે, જ્યાં તેઓ સમગ્ર યુરોપના આઇઓસી નેતાઓ સાથે મુલાકાત કરશે. આઇઓસીએ જાહેરાત કરી કે, રાહુલ ગાંધી બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
આ પણ વાંચો : ‘SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી’, લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી










