![]()
Kangana Ranaut Speech In Parliament : લોકસભામાં આજે શિયાળુ સત્રના સાતમા દિવસે સાંસદ કંગના રણૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.
‘રાહુલ ગાંધી બોલવા ઊભા થયા, ત્યારે આશા હતી કે…’
કંગનાએ વિપક્ષ દ્વારા SIR વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરુઆત કરી હતી. આ દરમિયાન કંગનાએ કહ્યું કે, ‘જ્યારે સરકાર કોઈ કામ આગળ વધારે છે, ત્યારે વિપક્ષ તેનો વિરોધ કરવા માટે નિયમો તોડે છે. વિપક્ષ પાસે કોઈ ચોક્કસ તથ્યો અને કોઈ સ્પષ્ટ રણનીતિ પણ નથી. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બોલવા ઊભા થયા હતા, ત્યારે આશા હતી કે, તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેઓએ તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું હતું.’
વિપક્ષે જે મહિલાની તસવીરનો દુરુપયોગ કર્યો તે મહિલાની કંગનાએ માફી માંગી
રાહુલ ગાંધીએ હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા હોવાનો અને તે મહિલા બ્રાઝિલિયન મોડેલ મેથ્યુસ ફેરેરો હોવાનો દાવો કર્યો હતો, જે મુદ્દે કંગનાએ વિદેશી મહિલાની તસવીર જાહેર કરવાની બાબતને ગંભીર અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘તે મહિલાએ જાતે જ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી અને તે ભારત ક્યારેય આવી નથી. તેમ છતાં વિપક્ષે તે મહિલાની તસવીરનો દુરુપયોગ કર્યો. હું ગૃહ તરફથી તે મહિલાની માફી માગું છું. તેણીને ખોટી રીતે જાહેર કરીને વિપક્ષે મહિલા સન્માનનું અપમાન કર્યું છે. કોંગ્રેસ (Congress) મહિલાઓનું અપમાન કરવા જેવી બાબતોમાં વારંવાર સામેલ હોય છે, જ્યારે વડાપ્રધાને મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે અનેક મહત્ત્વના પગલા ભર્યા છે.’
આ પણ વાંચો : ‘SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી’, લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી
કંગનાએ ઇન્દિરા અને સોનિયા ગાંધીનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વિપક્ષ વારંવાર EVMમાં ગડબડીના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કંગનાએ તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે બેલેટ પેપરના સમયમાં ચૂંટણીમાં ગેરરીતિ થતી હતી. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજ નારાયણ કેસમાં ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. આ કેસમાં એક વડાપ્રધાન દોષી ઠેરવાયા હતા. કોંગ્રેસ ઈવીએમ પર સવાલો ઉઠાવે છે, જ્યારે વાસ્તવિક ગેરરીતિ તેમના શાસનમાં થઈ હતી. સોનિયા ગાંધી (Sonia Gandhi) ભારતીય નાગરિક બન્યા વગર મતદાન કરતા રહ્યા હતા.’
આ પણ વાંચો : ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર!










