Ahmedabad Duplicate Lawyer : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને પોક્સો કેસમાં જેલમાં રહેલા આરોપીને ગુજરાત હાઇકોર્ટમાંથી નિયમિત રીતે જામીન અપાવવાનું કહીને એક ગઠિયાએ પોતાની ઓળખ સરકારી વકીલ તરીકે આપીને પોક્સોના આરોપીની પત્ની પાસેથી નાણાં પડાવ્યાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ અંગે પોલીસે જામનગરમાં રહેતા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલો યુવક જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું નકલી વકીલના નામે અનેક સાથે છેતરપિંડી કર્યાની આશંકા
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવતા તે છેલ્લાં 18 મહિનાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. ગત 6 એપ્રિલના રોજ તેમના પત્નીને કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે કહ્યું હતું કે તે ગુજરાત હાઇકોર્ટથી વાત કરે છે અને તે તેમના પતિના સરકારી વકીલ કાર્તિક પંડયા છે. આગામી 7મી એપ્રિલના રોજ કોર્ટમાં જામીન અરજીની સુનવણી છે. જો હું ધારદાર દલીલ ન કરું તો તમારા પતિને સરળતાથી જામીન મળી જશે. પરંતુ, દલીલ ન કરવા બદલ મને તમારે નાણાં આપવા પડશે.
પરંતુ, આરોપીના પત્ની બહાર હોવાથી તેમણે સાંજે કોલ કરવાનું કહ્યું હતું અન સાંજે તે એસ.જી હાઇવે ગોતા પર આવેલા ફન બ્લાસ્ટ બહાર કાર્તિક પડયાને મળ્યા હતા. જ્યાં તેણે જણાવ્યું હતું કે મેગડે સાહેબની કોર્ટમાં કેસ છે અને હું જામીન પર છોડાવી આપીશ. જેના માટે 75 હજાર રૂપિયા થશે. પરંતુ, આરોપીની પત્ની પાસે વધારે નાણાં ન હોવાથી 50 હજારમાં ડીલ નક્કી થઇ હતી. બીજા દિવસે કાર્તિક પંડયાએ ક્યુઆર કોડ મોકલતા 20 હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે દિવસે કાર્તિક પંડયાએ કોલ કરીને કહ્યું હતું કે કેસની સુનવણી વિડ્રો થઇ ગઇ છે. જેથી આઠમીએ મુદ્ત છે.
જેથી આરોપીની પત્નીને શંકા તેમણે તેમના વકીલને આ અંગે જાણ કરીને બુધવારે બપોરે ગુજરાત હાઇકોર્ટના ગેટ પાસે કાર્તિક પંડયાને મળવા બોલાવ્યો હતો અને તેની શંકાને આધારે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ સરકારી વકીલ તરીકે આપનારનું સાચું નામ મયંક મનસુખ સંઘાણી (કૈલાશ પ્લાઝા, કૃષ્ણનગર, જામનગર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.