![]()
Farmer Demanding Helicopter To Madhya Pradesh CM : મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં એક ખેડૂતને ખેતરે જવાનો રસ્તો છિનવાઈ જતાં ખેડૂતો મુખ્યમંત્રીને ભાવુક પોસ્ટ કરીને ખેતરે જવા માટે હેલિકોપ્ટરની માગ કરી હતી. આ માગ શોખ કે કોઈ દેખાવા માટે નહીં પરંતુ જીવિત રહેવા માટે ખેડૂતની છેલ્લી કોશિશ છે.
શું છે સમગ્ર મામલો?
ઘટના એમ છે કે, ઉજ્જૈનના ઘટ્ટિયા તાલુકાના ઉટેસરા ગામના રહેવાસી માનસિંહ રાજોરિયા નામના ખેડૂત પાસે 3.5 વિઘા જમીન છે, જેના દ્વારા તે પરિવાર ગુજરાન ચલાવે છે. પરંતુ વર્ષ 2023માં ઉજ્જૈન-ગરોઠ હાઇવેના નિર્માણ કાર્યના કારણે ખેડૂતને ખેતર સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેમાં ખેડૂતને ખેતર સુધી જવાના રસ્તામાં 2 મીટર ઊંચો હાઇવે બનાવી દીધો, પરંતુ ખેડૂતને જવા માટે અંડરપાસ કે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો ન હતો.
ખેડૂતે ખેતરે જવા હેલિકોપ્ટરની કરી માગ
સમગ્ર મામલે માનસિંહે જણાવ્યું હતું કે, ‘નજીકના અન્ય ખેડૂતોના ખેતરો પ્રધાનમંત્રી માર્ગ સાથે જોડાયેલા છે, પરંતુ તેમનું ખેતર વચ્ચે અટવાઈ ગયું છે. હાઇવે બનાવતા ટ્રેક્ટર, બળદગાડા કે ચાલવાનો રસ્તો રહ્યો નથી. ખેતર દેખાય છે, પરંતુ ત્યાં પહોંચવું અશક્ય બની ગયું છે. પરિણામે ખેતી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.’ જેને લઈને ખેડૂતે તાલુક અધિકારી, કલેક્ટરની કચેરીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. અંતે કંટાળીને મુખ્યમંત્રીની હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરી છે.
ખેડૂતે કહ્યું કે, ‘હું અરજીઓ આપીને કંટાળી ગયો છું. હવે અરજી કરવાની તાકાત નથી. ચપ્પલ ઘસાઈ ગયા. એટલા માટે હવે ખેતરે જવા માટે હેલિકોપ્ટર માગી રહ્યો છું.’ આ ભાવુક અરજીમાં ખેડૂતે વધુમાં લખ્યું કે, ‘જો ખેતર સુધી પહોંચવા માટે રસ્તો ન મળ્યો તો પરિવારનું ગુજરાન ચલાવવાનો કોઈ રસ્તો નહીં રહે. અંતે હવે ઝેર ખાવાનું બાકી રહ્યું છે.’
આ પણ વાંચો: IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર લિંક વગરની ટિકિટ બુકિંગનો સમય કરવામાં આવ્યો ઓછો…
જમીન સારી છે, પરંતુ વાવણી કરવા જઈ શકાતું નથી
ખેડૂતના માતા-પિતાની આંખોમાં પણ લાચારી જોવા મળી હતી. માતા ગીતા બાઈ અને પિતા રામલાલે જણાવ્યું હતું કે, તેઓ 2022-23થી સતત ફરિયાદ કરી રહ્યા છે. ઘણી મહેનતને અંતે લસણ અને ડુંગળીનો પાક તો લીધો, પરંતુ પછીથી ફક્ત સોયાબીનમાં મજૂરી જેવા પૈસા મળ્યા. હવે પરિસ્થિતિ એવી છે કે, ઘઉં પણ વાવી શકતા નથી. અધિકારીઓએ રસ્તો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે રસ્તો થોડા સમય પછી બંધ થઈ ગયો, જેના પરિણામે આશરે બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ દરમિયાન તાલુકા અધિકારીએ જણાવ્યું હતું કે, ખેડૂતની અરજી મળી ગઈ છે. તેમની મુખ્ય માગ તેમના ખેતર સુધી રસ્તો બનાવવાની છે. અગાઉની અરજી વિચારણા હેઠળ છે, અને આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તેમને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.










