નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૨૫માં નોન-લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો વધારો નોંધાયો છે. વીમા નિયમનકાર દ્વારા પ્રીમિયમ એકાઉન્ટિંગ ધોરણોમાં ફેરફાર અને આરોગ્ય અને ઓટો વીમામાં સુસ્તીને કારણે આવું બન્યું છે.
ઉદ્યોગના આંતરિક સૂત્રો અને નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે વીમા ક્ષેત્ર નાણાકીય વર્ષ ૨૬ માં મજબૂત પુનરાગમન કરશે અને પ્રીમિયમ વૃદ્ધિ ૯થી ૧૨ ટકા રહેવાની સંભાવના છે જે એકંદરે સુધરતી અર્થવ્યવસ્થા અને મોટર થર્ડ પાર્ટી દરોમાં ફેરફારને કારણે છે.
નોન-લાઇફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ FY૨૫માં વધીને રૂ. ૩.૦૮ લાખ કરોડ થયું હતું, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં ૬.૨ ટકા વધુ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૧૩ ટકાની વૃદ્ધિ હતી, જ્યારે પ્રીમિયમ રૂ. ૨.૮૯ લાખ કરોડે પહોંચ્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩માં વાર્ષિક ધોરણે પ્રીમિયમમાં ૧૬.૩ ટકાનો વધારો થયો હતો.
આર્થિક મંદી અને ધીમી વાહન વૃદ્ધિની સાથે એકાઉન્ટિંગ ધોરણોમાં ફેરફારને કારણે નોન-લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રિમિયમ પર અસર પડી છે. આક્રમક ભાવોની અસર સ્વાસ્થ્ય અને ફાયર સેક્ટર પર પડી રહી છે. જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૮ થી ૯ ટકાની વૃદ્ધિનો અંદાજ છે.