મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો પરના આકરાં ટેરિફ દરો લાગુ કરવાનું ૯૦ દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લીધા સામે ચાઈના પર ટેરિફ દરો વધારીને ૧૪૫ ટકા ટેરિફ કરતાં અને વળતાં પ્રહારમાં ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પરના ટેરિફ વધારીને ૧૨૫ ટકા કરવાનું જાહેર કરીને જાણે બન્ને દેશો વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્વમાં ધકેલવા જઈ રહ્યાના જોખમ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં તેજીને બ્રેક લાગી પીછેહઠ જોવાઈ હતી. સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં નરમાઈ સામે ભારતીય શેર બજારો ગઈકાલની મહાવીર જયંતીની રજા બાદ આજે અપેક્ષિત મજબૂતીએ ખુલીને એડવાન્ટેજ ઈન્ડિયા હોય એમ ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજીનો વેપાર કર્યો હતો. કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી રહી હતી. સેન્સેક્સ ૧૩૧૦.૧૧ પોઈન્ટ ઉછળીને ૭૫૧૫૭.૨૬ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ૪૨૯.૪૦ પોઈન્ટની છલાંગે ૨૨૮૨૮.૫૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીના મંડાણ : ડિક્સન રૂ.૧૦૨૭, હવેલ્સ રૂ.૬૧, ટાઈટન રૂ.૬૦ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફરી તેજીના મંડાણ થયા હતા. અમેરિકા, ચાઈના વચ્ચેના ટેરિફ યુદ્વમાં એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની શકયતાએ આજે ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની મોટી ખરીદી થઈ હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૦૨૭.૧૦ ઉછળીને રૂ.૧૪,૩૦૩.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૬૧.૧૦ વધીને રૂ.૧૫૩૧.૯૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૮.૬૫ વધીને રૂ.૨૫૪.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૫૧૦.૮૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૪ વધીને રૂ.૧૧૦૩.૧૫, ટાઈટન કંપની રૂ.૫૯.૭૦ વધીને રૂ.૩૨૩૪.૯૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૂ.૫.૬૫ વધીને રૂ.૩૩૪.૫૦, બ્લુ સ્ટાર રૂ.૨૭.૬૫ વધીને રૂ.૧૯૬૫.૮૦ રહ્યા હતા.
ચાઈના સામે ભારતને નિકાસ ફાયદાએ મેટલ શેરોમાં હિન્દાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, ટાટા સ્ટીલ ઉંચકાયા
અમેરિકાના ચાઈના પર આકરાં ટેરિફના પરિણામે ભારતને સ્ટીલ, એલ્યુમીનિયમ સહિતની નિકાસમાં ફાયદો થવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે ખરીદી રહી હતી. હિન્દાલ્કો રૂ.૩૬.૦૫ વધીને રૂ.૬૦૦.૪૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૨.૨૫ વધીને રૂ.૫૪૪.૫૫, ટાટા સ્ટીલ રૂ.૬.૨૫ વધીને રૂ.૧૩૩.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૯૯૦.૮૫, કોલ ઈન્ડિયા રૂ.૧૭.૩૦ વધીને રૂ.૩૯૨, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩ વધીને રૂ.૪૧૩.૬૦, એપીએલ અપોલો રૂ.૪૭.૪૦ વધીને રૂ.૧૫૨૦.૫૦, સેઈલ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૦૮.૨૫ રહ્યા હતા.
ટીમકેન રૂ.૧૯૮ ઉછળી રૂ.૨૫૬૭ : આઈનોક્સ વિન્ડ, કેઈન્સ, પાવર ઈન્ડિયા, એલજી, સીજી પાવરમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે તેજી કરી હતી. ટીમકેન રૂ.૧૯૭.૬૫ ઉછળીને રૂ.૨૪૬૭.૪૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧૦.૬૦ વધીને રૂ.૧૫૧.૫૫, સોના કોમ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૪૩૦.૧૫, કેઈન્સ રૂ.૨૪૬ વધીને રૂ.૫૦૯૦.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૫૫૧.૭૫ વધીને રૂ.૧૧,૯૦૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૪૨૦.૦૫, સીજી પાવર રૂ.૨૧.૩૦ વધીને રૂ.૫૭૨.૪૦, સુઝલોન રૂ.૧.૮૦ વધીને રૂ.૫૩.૦૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૧૩૨૩.૬૦, રેલ વિકાસ નિગમ રૂ.૮.૪૫ વધીને રૂ.૩૪૬, ભારત ડાયનામિક્સ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૧૩૨૩.૬૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૯૩.૨૫ વધીને રૂ.૧૫,૦૭૨.૪૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૭૪.૭૫ વધીને રૂ.૩૧૮૨.૭૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડો ફરી તેજીમાં આવ્યા : જયુબિલન્ટ ફાર્મા, વોખાર્ટ, વિન્ડલાસ, બ્લુજેટ, હાઈકલ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે તેજી રહી હતી. જયુબિલન્ટ ફાર્મા રૂ.૯૧.૩૦ ઉછળી રૂ.૯૧૯.૧૫, વોખાર્ટ રૂ.૧૧૯.૮૦ વધીને રૂ.૧૩૧૯.૩૦, વિન્ડલાસ રૂ.૮૬.૫૦ વધીને રૂ.૯૭૯, સુવેન ફાર્મા રૂ.૯૦.૨૦ વધીને રૂ.૧૧૪૧.૮૫, આરતી ફાર્મા રૂ.૫૨.૨૫ વધીને રૂ.૬૭૮.૮૫, કોપરાન રૂ.૧૪.૫૫ વધીને રૂ.૧૯૦, થેમીસ મેડી રૂ.૯.૨૦ વધીને રૂ.૧૨૫, વિમતા લેબ રૂ.૬૬ વધીને રૂ.૯૧૭.૯૫, ન્યુલેન્ડ લેબ રૂ.૮૨૭.૬૫ વધીને રૂ.૧૧,૭૭૧, અમી ઓર્ગેનિક્સ રૂ.૧૩૭.૬૦ વધીને રૂ.૨૨૭૦ રહ્યા હતા.
અપોલો ટાયર રૂ.૧૯ વધીને રૂ.૪૨૭ : મધરસન, એમઆરએફ, ભારત ફોર્જ, બજાજ, મહિન્દ્રામાં તેજી
ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે પણ અમેરિકામાં હાલ તુરત આકરાં ટેરિફ સામે ૯૦ દિવસની રાહત મળતાં ફંડોની ઓટો શેરોમાં લેવાલી રહી હતી. અપોલો ટાયર રૂ.૧૯.૩૦ વધીને રૂ.૪૨૭.૧૦, મધરસન રૂ.૫ વધીને રૂ.૧૧૮.૧૦, એમઆરએફ રૂ.૪૭૫૨.૭૦ વધીને રૂ.૧,૧૭,૭૪૫.૭૦, ભારત ફોર્જ રૂ.૩૧.૧૦ વધીને રૂ.૧૦૦૧, બજાજ ઓટો રૂ.૧૯૪.૦૫ વધીને રૂ.૭૭૬૭.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૫.૯૫ વધીને રૂ.૨૩૩૬.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૭.૪૫ વધીને રૂ.૨૫૮૨.૯૫, ટાટા મોટર્સ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૫૯૫.૦૫, આઈશર મોટર્સ રૂ.૧૦૩.૫૫ વધીને રૂ.૫૨૫૮.૯૫ રહ્યા હતા.
ક્રુડના ભાવમાં નરમાઈ વચ્ચે ઓઈલ શેરોમાં મજબૂતી : ઓએનજીસી, રિલાયન્સ, ઓઈલ ઈન્ડિયા વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે એકંદર નરમાઈ તરફી રહી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૩.૩૫ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૬૦.૧૫ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ઓએનજીસી રૂ.૮.૧૫ વધીને રૂ.૨૩૦.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૭૦ વધીને રૂ.૧૨૧૯.૩૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૦૫ વધીને રૂ.૩૫૮.૮૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૨.૪૫ વધીને રૂ.૫૯૨, બીપીસીએલ રૂ.૫.૨૦ વધીને રૂ.૨૯૩.૦૫, એચપીસીએલ રૂ.૨.૭૦ વધીને રૂ.૩૮૨.૧૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : કોટક બેંક રૂ.૫૮, એચડીએફસી બેંક રૂ.૪૧, સ્ટેટ બેંક રૂ.૧૨ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કોટક મહિદ્રા બેંક રૂ.૫૮.૪૫ વધીને રૂ.૨૧૧૧.૫૦, એચડીએફસી બેંક રૂ.૪૧.૧૦ વધીને રૂ.૧૮૦૬.૬૦, કેનેરા બેંક રૂ.૧.૯૭ વધીને રૂ.૯૦.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨ વધીને રૂ.૭૫૪.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૩૫ વધીને રૂ.૬૮૮.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૮૦ વધીને રૂ.૧૩૧૩.૩૦, એક્સિસ બેંક રૂ.૭.૯૦ વધીને રૂ.૧૦૬૯.૫૫ રહ્યા હતા.
ફરી સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની મોટી ખરીદી : ૩૧૧૫ શેરો પોઝિટીવ બંધ
વૈશ્વિક ટેરિફ યુદ્વમાં હવે અમેરિકા, ચાઈનાના આક્રમક યુદ્વના પરિણામે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની અપેક્ષાએ ફંડો, ખેલંદાઓ ફરી સક્રિય બની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૪૫થી વધીને ૩૧૧૫ અને ઘટનારની સંખ્યા ૨૪૪૨થી ઘટીને ૮૪૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૭૩ લાખ કરોડ વધીને રૂ.૪૦૧.૫૫ લાખ કરોડ
વૈશ્વિક બજારોમાં નરમાઈથી વિપરીત ભારતીય બજારોમાં પણ આજે એક દિવસની રજા બાદ ખુલતાં ફંડોની આક્રમક ખરીદીએ તેજીના પરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૭૩ લાખ કરોડ વધીને રૂ.૪૦૧.૫૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૨૫૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૭૫૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૨૫૧૯.૦૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૮,૦૫૮.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૫૭૭.૯૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૭૫૯.૨૭ કરોડની ચોખ્ખી ખરીદીરહી હતી. કુલ રૂ.૧૪,૧૨૯.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૭૦.૧૧ કરોડની વેચવાલી કરી હતી.
એશીયા-યુરોપના બજારોમાં સાવચેતીએ નરમાઈ : નિક્કી ૧૦૨૩ પોઈન્ટ, ડેક્ષ ૩૦૨ પોઈન્ટ ઘટયા
એશીયા-યુરોપના દેશોના બજારોમાં આજે સાવચેતીએ નરમાઈ રહી હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૦૨૩ પોઈન્ટ ઘટયો હતો. હોંગકોંગનો હેગસેંગ ૨૩૩ પોઈન્ટ વધ્યો હતો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૫ પોઈન્ટ વધ્યો હતો. યુરોપના દેશોના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૩૦૨ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો પણ સાંજે ઘટાડા સાથે ખુલીને ડાઉ જોન્સ સાંજે ૧૦૦ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૧૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.