![]()
માટી ચોરી કરી મોરબી સપ્લાય થત હોવાની રાવ
તંત્રની રહેમનજર હેઠળ ભૂમાફિયાઓ સક્રિય ઃ સરકારની તિજોરીને લાખોનું નુકસાન
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ પંથકમાં ખનિજ માફિયાઓ પર તંત્રનો સપાટો બોલી રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રાના રામપરા ગામે તંત્રની શંકાસ્પદ નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે છે.
રામપરા ગામના તળાવમાં છેલ્લા દોઢ-બે મહિનાથી ભૂમાફિયાઓ દ્વારા રાત્રિના સમયે બે હિટાચી મશીનો વડે સફેદ માટીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. મૂળી તાલુકાના સડલા પંથકમાં કડક કાર્યવાહી થતાં હવે ખનિજ માફિયાઓ ધ્રાંગધ્રા તરફ વળ્યા છે અને આ સફેદ માટીને મોરબીના સિરામિક ઉદ્યોગ સુધી પહોંચાડી લાખોની કમાણી કરી રહ્યા છે.
આ અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ગેરકાયદે ખનનથી પ્રકૃતિ અને રાજ્ય સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે રામપરા ગામના તળાવમાં ચાલતી આ ખનિજ ચોરી તાત્કાલિક અટકાવવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે.










