– મહિસાગર જિલ્લાના વિરપુરમાં કોમી એખલાસના દ્રશ્યો
– મસ્જિદ નજીકથી રથયાત્રા પસાર થઇ ત્યારે તંગદીલીના બદલે ભાઇચારો જોવા મળ્યો, મુસ્લિમ યુવાનોએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી
વિરપુર : આખા દેશમાં એક તરફ હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહિસાગર જિલ્લાના વિરપુરમાં હનુમાન જયંતીની ઉજવણીમાં કોમી એકતાનું અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ હતું.
અહી હનુમાન જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા જ્યારે મસ્જિદ નજીકથી પસાર થઇ ત્યારે ઉશ્કેરાહટ અને તંગદીલી નહી પણ ભાઇચારો જોવા મળ્યો હતો. મુસ્લિમ આગેવાનો દ્વારા શોભાયાત્રાનુ પુષ્પવર્ષા કરીને હાદક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
વિરપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે તાલુકાના યુવાનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસ્જિદ નજીક આવી પહોંચી ત્યારે મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા હનુમાનજીના રથ અને ભક્તજનો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જે બાદ આગેવાનોએ હનુમાનજીની પ્રતીમાને શ્રીફળ તથા ચુંદડી પણ ચઢાવીને હિન્દુ પરંપરાનું સન્માન કર્યુ હતું.
શોભાયાત્રાના ધામક મહાત્મ્યને ધ્યાનમાં રાખી દરેક ભાવિક માટે પીવાના ઠંડા પાણીની બોટલોની વ્યવસ્થા પણ મુસ્લિમ યુવાનો દ્વારા કરવામાં આવી હતી.
શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તો તેમજ આયોજકોએ મુસ્લિમ સમાજના આ સહકારની પ્રશંસા કરી હતી અને હિન્દુ-મુસ્લિમ આગેવાનો એકબીજાના ભેટી પડયા હતા.