Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં ડ્રેનેજના ઢાંકણા બિસ્માર હોવાનો વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે પાલિકા વિસ્તારમાં વિવિધ સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા કોઈ પણ જાતની સલામતી વિના આડેધડ ખોદાણ થઈ રહ્યું છે. આવી કામગીરીને પગલે કેદાર જાદવ જેવી ઘટનાનું પુનરાવર્થન થાય તેવી ભીતિ છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં એક સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલો ખાડો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે આવા ખાડાના કારણે લોકોમાં ગભરાટ છે.
સુરતમાં અમરોલી-વરિયાવ રોડ પર સ્ટ્રોમ ડ્રેનેજ માં બે વર્ષના કેદારનું મોત બાદ તંત્ર અને શાસકોએ શહેરમા જોખમી ડ્રેનેજના ઢાંકણ શોધવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ પાલિકા વિસ્તારમાં વિવિધ સર્વિસ આપતી સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા સલામતી વિના ખાડા ખોદવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. પુમા વિસ્તારમા આવેલી સરગમ સોસાયટી-શાંતિનિકેતન સોસાયટી-રાધાકૃષ્ણ સોસાયટી સહિત અનેક સોસાયટીઓનો રોડ જાય તે રોડ પર સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા સાતેક દિવસ પહેલા પાંચથી સાત ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ આ ખાડા આસપાસ કોઈ બેરીકેટ કરવામાં આવ્યા નથી તેથી નાનું બાળક કે કોઈ વાહન ખાડામાં પડે તો અકસ્માત થાય અને જાનહાનિ પણ ભીતી છે. આ અંગેની ફરિયાદ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેવું સ્થાનિકોનું કહેવું છે.