![]()
વડોદરા,માંજલપુર પોલીસે આજે ઘટના સ્થળે કામ કરતા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટના પાંચ કર્માચારીઓના નિવેદનો લીધા છે. આ ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે પોલીસે કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન અધિકારીની માહિતી માગી છે. જે માહિતી આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેના ખાડામાં પડી જવાથી મોત ગુમાવનાર વિપુલસિંહ ઝાલાના કિસ્સામાં મૃતકની પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આજે સ્થળ પરના સંપ પર કામ કરતા પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટના પાંચ કર્મચારીઓના નિવેદનો લીધા છે. આ સ્થળ પર ત્રણ શિફ્ટમાં કામ ચાલે છે. અન્ય બે શિફ્ટના સ્ટાફના નિવેદનો આવતીકાલે લેવામાં આવશે. સાફ સફાઇનું કામ ગઇકાલે જ શરૃ કરવામાં આવ્યું હતું. રાત્રે કોઇ રહેતું નથી. માંજલપુર વિસ્તારમાં આ કામગીરીના કારણે પાણીનો સ્પલાય બંધ રહેશે તેવી જાહેરાત પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. આ ઢાંકણુ કોણે ખુલ્લુ રાખ્યું હતું. તે અંગે હજી માહિતી મળી નથી. આ કામ પાણી પુરવઠા, ડ્રેેનેજ અને રોડ વિભાગના હસ્તક આવતું હોઇ પોલીસે સ્ટાફના કર્મચારીઓના નામ અને તેઓની જવાબદારી અંગેની માહિતી મેળવવા માટે કોર્પોરેશનને પત્ર લખ્યો છે. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની કવાયત હાથ ધરી છે. આ કામના કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરની પણ માહિતી માગવામાં આવી છે.
માંજલપુરમાં ખાડામાં પડવાથી જીવ ગુમાવનાર યુવકના પરિવારનો આક્રોશ
પહેલાં દોષિતો સામે ફરિયાદ દાખલ કરો, પછી જ પી.એમ. કરવા દઇશું
પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો ઃ પોસ્ટ મોર્ટમ પછી એક વાગ્યે મૃતદેહ પરિવારને સોંપાયો
વડોદરા,
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેથી ચાલતા જતો યુવાન ખુલ્લી ગટરમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આજે સવારે જ્યારે પોલીસ મૃતદેહને પી.એમ. માટે લઇ ગઇ ત્યારે પરિવારજનોએ પહેલા ફરિયાદ દાખલ કરો, પછી પી.એમ. કરાવીશું. તેવું કહીને રોષ વ્યક્ત કર્યો હતો.
માંજલપુર કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષના વિપુલસિંહ મોહનસિંહ ઝાલાનું ગઇકાલે રાત્રે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેની ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. ફાયરબ્રિગેડની ટીમે તેઓને બહાર કાઢતા તેઓને તરત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. દરમિયાન માંજલપુર પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે રાત્રે મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૃમમાં મૂક્યો હતો. આજે સવારે પોલીસ સ્ટાફ પી.એમ. કરાવવા માટે સયાજી હોસ્પિટલમાં ગયો હતો. મૃતદેહને પી.એમ. રૃમ લઇ જવાયો હતો. ત્યારે જ પરિવારજનોએ ત્વરિત કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. પરિવારજનોનું કહેવું હતું કે, પહેલા ફરિયાદ દાખલ કરો, પછી પી.એમ. કરાવીશું. જેના પગલે પોલીસ મુશ્કેલીમાં મૂકાઇ હતી. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પી.આઇ. સાથે તેઓએ વાત કરી પહેલા ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. પોલીસે યોગ્ય તપાસની ખાત્રી આપી જણાવ્યું હતું કે, ગુનો દાખલ કરતા પહેલા પુરાવાઓ અને જવાબદાર લોકોની વિગતો મેળવવી પડશે. પરિવારને પી.એમ. માટે સમજાવતા તેઓ માની ગયા હતા. ત્યારબાદ પી.એમ. શરૃ કરાવ્યું હતું. બપોરે એક વાગ્યે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પરિવારે જોયું તો ગટરના ઊંડા ખાડામાં વિપુલના બૂટ દેખાયા
રાત્રે સંબંધીઓ સાથે મૃતક ડિનર માટે ગયા હતા : કાર પાર્ક કરીને આવતી વખતે ખાડામાં પડયા
વડોદરા,
વિપુલસિંહ ઝાલા ગઇકાલે રાત્રે આઠ વાગ્યે તેમના સંબંધીઓ સાથે ડિનર માટે ગયા હતા. તેઓ ગાડી પાર્ક કરીને આવું છું. તેવું કહીને ગયા હતા. તેઓ લાંબા સમય સુધી પરત નહીં આવતા પરિવારે મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા મોબાઇલ ફોન બંધ આવતો હતો. ત્યારબાદ પરિવારજનો તેઓનો શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓની નજર નજીકમાં ખુલ્લી ગટર પર પડી હતી. તેમણે ટોર્ચથી જોતા વિપુલસિંહના બૂટ દેખાતા પરિવારજનોને ધ્રાસ્કો પડયો હતો. જેથી, તરત જ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો.










