RBI to infuse Rs 40k crore into Banking System: આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે RBI 17 એપ્રિલના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે, જેની કુલ કિંમત 40,000 કરોડ રૂપિયા છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા સિક્યોરિટીઝની આ ત્રીજી ઓપન માર્કેટ ઓપરેશન (OMO) ખરીદી હશે. 20,000 કરોડ રૂપિયાની પહેલી ખરીદી 3 એપ્રિલે કરવામાં આવી હતી, જ્યારે એટલી જ રકમની બીજી ખરીદી 8 એપ્રિલે કરવામાં આવી હતી અને હવે 17 એપ્રિલે ત્રીજી ખરીદી કરવામાં આવશે.
લિક્વિડિટી વધારવા માટે RBIએ રેપો રેટ પણ ઘટાડ્યો
સત્તાવાર આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયા રોકેલા છે. આ સાથે જ લિક્વિડિટી વધારવા માટે RBIએ આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં બે વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે બેન્કો અને NBFCs તરફથી મળતી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે, RBI ઓપન માર્કેટ ઓપરેશન, ડોલર-રૂપિયા સ્વેપ અને વેરિયેબલ રેપો રેટ જેવી ઘણી પદ્ધતિઓ અપનાવે છે.
ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું?
ઓપન માર્કેટ ઓપરેશન એટલે આ પોલિસી હેઠળ મની સપ્લાય કંટ્રોલ માટે, બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે, RBI સરકારી સિક્યોરિટીઝ ખરીદે છે, જેનાથી બેન્કમાં પૈસા આવે છે. જેના કારણે બેન્કને વધુ લોન આપી શકે છે અને આર્થિક વિકાસને વેગ મળે છે.
આ પણ વાંચો: EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ
તેવી જ રીતે, જો માર્કેટમાં વધુ લિક્વિડિટી જણાય તો તે ઘટાડવા માટે RBI સરકારી સિક્યોરિટીઝ વેચે છે, જેનાથી બેન્કની લોન આપવાની ક્ષમતા ઘટશે અને તેથી માર્કેટમાં ઓછા પૈસા પહોંચશે. ઓપન માર્કેટ ઓપરેશન્સ એ એક સાધન છે જેનો ઉપયોગ RBI ફુગાવો, વ્યાજ દર અને નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે કરે છે.