મુંબઈ : અમેરિકાની વૈશ્વિક ટ્રેડિંગ જાયન્ટ જેન સ્ટ્રીટ પર મેનીપ્યુલેશન થકી જંગી ગેરકાયદે લાભ ખાટવા બદલ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા પ્રતિબંધાત્મક પગલાં ભરવામાં આવતા ભારતના શેર બજારોમાં ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઘટાડો થવાની શકયતા બતાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સેબીના એક્શન બાદ જેન સ્ટ્રીટ દ્વારા તેની મુંબઈમાં કામગીરી બંધ કરી દેવાયા સાથે અડધા અબજ ડોલર એટલે રૂ.૪૮૪૪ કરોડ જેટલી સંપતિ જપ્ત કરી લેવામાં આવ્યાના અહેવાલ વચ્ચે દેશમાં ઘણા ફોરેન બ્રોકિંગ હાઉસો અને ટ્રેડિંગ કંપનીઓના બિઝનેસ અટકવાની અને એના કારણે ડેરિવેટીવ્ઝમાં ટ્રેડિંગ ટર્નઓવરમાં મોટો ઘટાડો થઈ શકે છે.
વિશ્લેષકોનું કહેવું છે કે, નિયમનકારી કાર્યવાહીથી ડેરિવેટીવ્ઝ માર્કેટ પ્રવૃતિ પર આધાર રાખતા મધ્યસ્થીઓ માટે આવક પર દબાણ આવશે, સેગ્મેન્ટમાં સૌથી મોટી માલિકીની ટ્રેડિંગ કંપનીઓમાંની એક સામે સેબીના કડક દંડાત્મક પગલાંના પ્રતિભાવમાં વોલ્યુમ ઘટશે. માર્કેટની અખંડિતતાને મજબૂત બનાવવા માટે આ કાર્યવાહીની સમીક્ષકો એક તરફ પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ બજારમાં પ્રમુખ વોલ્યુમ સર્જનમાં યોગદાન આપનારા આ એકમોની એક્ઝિટથી ટ્રેડરોને પાંખી પ્રવાહિતતા અને અને વોલેટીલિટીમાં એકાએક ફેરફાર અંગે ચિંતા થવા લાગી છે.
પ્રમુખ ટ્રેડિંગ વોલ્યુમ પ્રદાતાઓના વિક્ષેપને કારણે અચાનક તરલતાનું સંકટ આવી શકે છે એવું ડેરિવેટીવ્ઝ વિશ્લેષકનું માનવું છે. લાંબાગાળે રોકાણકારોના વિશ્વાસ અને બજાર દેખરેખ માટે તે સકારાત્મક છે, પરંતુ ટૂંકાગાળામાં આવા મોટો ખેલાડીઓની એક્ઝિટનો બજારે આંચકો અનુભવવો પડશે.
ડેરિવેટીવ્ઝ માર્કેટના પાર્ટિસિપ્નટ્સનું કહેવું છે કે, જેન સ્ટ્રીટ વિક્લી ઓપ્શન્સમાં સૌથી સક્રિય સંસ્થાકીય ખેલાડીઓમાં એક હતું. ખાસ કરીને એક્સપાયરીના દિવસોમાં ઘણીવાર હજારો કરોડમાં ટ્રેડિંગ કરતું હતું અને અદ્યતન અમલીકરણ વ્યુહરચનાઓનો ઉપયોગ કરતું હતું. જેની અચાનક ગેરહાજરી સ્પ્રેડ અને વોલ્યુમ પર અસર કરી શકે છે. જેન સ્ટ્રીટને કારણે વધુ તપાસની જરૂર હોવાથી, ઘણા ફંડો એક્સપોઝરનું ફરીથી મૂલ્યાંકન કરે તેવી શકયતા છે.
કેટલાક ટ્રેડરોનું કહેવું છે કે, આનાથી દૂરના મહિનાના અને ઈલિક્વિડ કોન્ટ્રાક્ટસમાં પીછેહઠ થતી જોવાઈ શકે છે, જેમાં એક્ઝિટનું સંચાલન કરવું મુશ્કેલ હોય છે. જ્યારે મોટા ફંડો મોટી પોઝિશન લે છે, ખાસ કરીને દૂરના મહિનાના અથવા ઓછા વોલ્યુમના ઓપ્શન્સમાં, ત્યારે તેઓ ઘણીવાર ફક્ત પ્રવેશ કરીને ભાવને પ્રભાવિત કરે છે. પરંતુ જ્યારે તેઓ એક્ઝિટ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને વિપરીત સમસ્યાનો સામનો કરવો પડે છે.
ચગાવેલા ભાવે કોઈ પ્રતિપક્ષ નહીં, તે જ લિક્વિડિટી ટ્રેપ છે. જેથી ટ્રેડરો હવે બજાર તેમની વિરૂધ્ધ થાય તે પહેલા વહેલા પોઝિશન કાપવાનું અને એક્પોઝર ઘટાડવાનું પસંદ કરી શકે છે. એવું ડેરિવેટીવ્ઝ વિશ્લેષકનું કહેવું છે.