Karni Sena Agra protest : ઉત્તર પ્રદેશના આગ્રામાં આજે (12 એપ્રિલ, 2025) કરણી સેના દ્વારા રાણા સાંગાની જ્યંતી પર સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને થોડા દિવસ અગાઉ રાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદથી જ દેશના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. એવામાં આજે કરણી સેનાએ જાહેરાત કરી છે કે જો રામજી લાલ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં લોકો તેમના ઘર સુધી પહોંચશે. સાથે સાથે કરણી સેનાની માંગ છે કે સપા સાંસદ રાજપૂતોની માફી પણ માંગે.
કરણી સેનાએ બાંયો ચડાવી
કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલ પણ રેલીમાં સામેલ થવા માટે આગ્રા પહોંચ્યા હતા. શુક્રવાર રાતથી જ યુપીના વિવિધ જિલ્લાથી હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળ પાસે પહોંચી ગયા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે રામજી લાલ સુમન વિરુદ્ધ કાર્યવાહી માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. એવામાં જોવાનું રહેશે કે હવે કરણી સેનાની આગામી વ્યૂહનીતિ શું રહેશે અને યુપીની યોગી સરકાર આ મામલે શું એક્શન લેશે.
મારી હત્યા થઈ શકે છે: રામજી લાલ
બીજી તરફ સપા સાંસદ રામજી લાલ સુમને કહ્યું છે, કે ‘સૌ કોઈને વિરોધ કરવાની સ્વતંત્રતા છે પરંતુ વિરોધ કરવાની પણ એક રીત હોય. કરણી સેનાએ અરાજકતાનો રસ્તો અપનાવ્યો છે. મારા અને મારા પરિવારના જીવને ખતરો છે. મારી હત્યા થઈ શકે છે તેથી પોલીસે પણ સુરક્ષા આપી છે.’
આગ્રામાં ભારે સુરક્ષા દળો તૈનાત
પરિસ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશ પોલીસે કમર કસી લીધી છે. RAF અને PAC સહિતના સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટના કારણે 1300થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આગ્રામાં કરણી સેનાના સભાસ્થળથી રામજી લાલ સુમનના ઘર સુધીના રૂટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
આ નકલી સેના છે: અખિલેશ યાદવ
બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ખુલીને રામજી લાલના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે કોઈ રામજી લાલ કે પછી અમારા કોઈપણ કાર્યકર્તાનું અપમાન કરશે તો અમે સૌ ઊભા રહીશું, આ લડત હવે સન્માનની લડત છે. આ બધી નકલી સેના, બધા ભાજપના નેતાઓ છે.
શું બોલ્યા હતા રામજી લાલ સુમન?
રામજી લાલ સુમને 21મી માર્ચે રાજ્યસભામાં રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘ભાજપના લોકો વારંવાર કહે છે કે મુસ્લિમોમાં બાબરનો DNA છે. ભારતનો મુસ્લિમ બાબરને આદર્શ નથી માનતા, મોહમ્મદ સાહેબને આદર્શ માને છે. સૂફી સંતોની પરંપરાને આદર્શ માને છે. હું તો એ જાણવા માંગુ છું કે બાબરને લાવ્યું કોણ? ઈબ્રાહીમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને લઈને આવ્યા હતા. તમે ગદ્દાર રાણા સાંગાની ઓલાદ છો. બાબરની ટીકા કરો છો પણ રાણા સાંગાની ટીકા નથી કરતાં.’