– સુરતનો પર્યાપ્ત ટ્રાફિક મળતો હોવા છતાં ડેઈલી ટ્રેન ચલાવવામાં ઠાગાઠૈયા કેમ ?
– ટ્રેન થોડા સમય માટે ચલાવાયા પછી બંધ કરી દેવાય છે, જેથી નથી મુસાફરોને લાભ થતો કે નથી રેલવેને ફાયદો : નિયમિત દોડાવાય તે જરૂરી
ભાવનગર : ભાવનગરથી દિલ્હી વીકલી અને ભાવનગરથી સુરત ડેઈલી ટ્રેન દોડાવવાની યાત્રીગણમાં ડિમાન્ડ હોવા છતાં રેલવે પ્રશાસન આ ડિમાન્ડને અનુલક્ષીને ટ્રેન શા માટે બન્ને ટ્રેન કાયમી ધોરણે ફાળવતું નથી ? એવો સવાલ ભાવનગર અને બોટાદ બન્ને જિલ્લાના લોકોમાં ઉઠયો છે.
રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર-દિલ્હી વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવી હતી. થોડો સમય ચાલુ રાખ્યા બાદ ટ્રેન બંધ કરી દેવાઈ હતી. એવું જ ભાવનગર-સુરત વચ્ચેની ટ્રેન બાબતે થયું હતું.
નોંધપાત્ર બાબત એ છે કે, ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સુરત જતા હોય છે અને સુરતથી આ બન્ને જિલ્લામાં આવતા હોય છે. સરકારી અને ખાનગી વાહનોને પર્યાપ્ત ટ્રાફિક મળે છે. તો રેલવેને પણ મળે જ. ભાવનગર-ઉધના વચ્ચે હંગામી ધોરણે ટ્રેન દોડાવાઈ ત્યારે પણ મુસાફરોનો સુંદર પ્રતિસાદ મળ્યો હતો. તો પછી ટ્રેનને થોડો સમય ચલાવાયા પછી બંધ કરી દેવાનું કારણ શું ? આનાથી નથી મુસાફરોને લાભ થતો કે નથી રેલવેને ફાયદો થતો. પર્યાપ્ત ટ્રાફિક મળી રહે તેમ હોવા છતાં રેલવે દ્વારા કાયમી ધોરણે ભાવનગર-સુરત ટ્રેન કેમ ફાળવવામાં આવતી નથી ? તેવો પ્રશ્ન લોકોમાં ઉઠયો છે.