![]()
Chhota Udepur News: એક તરફ સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘મહિલા સશક્તિકરણ’ના દાવા કરે છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુરના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં મહિલાઓના સ્વાસ્થ્ય અને ગરિમાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડવાની જગ્યા ન હોવા છતાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિલોમીટર દૂર તેમના ઘરે મોકલવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
શું છે સમગ્ર મામલો?
નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવે છે. આ માટે આસપાસના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે. ગઈકાલે પીસાયતા અને કુકરદા ગામની મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ, ઓપરેશન બાદ મહિલાઓને એમ્બ્યુલન્સની સીટ પર સુવડાવીને (Stretcher/Seat) સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની હોય છે.
તણખલાથી બોલાવવામાં આવેલી એક જ એમ્બ્યુલન્સમાં 5 મહિલાઓ અને તેમની સાથેના 5 પરિજન મળી કુલ 10 લોકોને બળજબરીપૂર્વક ભરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્કેલીમાં
40 કિ.મી. સુધી કફોડી હાલતમાં મુસાફરી
ઓપરેશનને કારણે મહિલાઓ અર્ધબેભાન અને અત્યંત પીડામાં હોય છે. આવી સ્થિતિમાં તેમને સુવડાવવાને બદલે એમ્બ્યુલન્સમાં એકબીજાની અડોઅડ બેસાડી દેવામાં આવી હતી. કાચા રસ્તાઓ અને 40 કિલોમીટર લાંબા અંતર સુધી આ મહિલાઓએ રીતસરની યાતના ભોગવી હતી. જો આ મુસાફરી દરમિયાન કોઈ મહિલાના ટાંકા તૂટી જાય કે તબિયત વધુ લથડે તો જવાબદારી કોની? તેવો પ્રશ્ન ઊઠી રહ્યો છે.
ગ્રાન્ટ બચાવવા માટે દર્દીઓનો ભોગ?
સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ વધુ વાહનો ન ફાળવીને ગ્રાન્ટ બચાવવાના ચક્કરમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. સામુહિક ઓપરેશનના દિવસે વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાને બદલે એક જ ગાડીમાં તમામને ભરી દેવા એ તંત્રની ગુનાહિત બેદરકારી સમાન છે. શું જિલ્લા આરોગ્ય અધિકારી આ અમાનવીય વ્યવહારથી અજાણ છે? ઓપરેશન બાદ મહિલાઓને સુવડાવવા માટે પૂરતી જગ્યા કેમ ફાળવવામાં આવી નહીં? મહિલાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે?
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાની આ વરવી વાસ્તવિકતાએ સરકારના ડિજિટલ અને વિકસિત ગુજરાતના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે.










