Delhi Govt Cancels Old Vehicles Registrations: દિલ્હી સરકારે જૂના વાહનો પર મહત્ત્વનો નિર્ણય લીધો છે. નવી માર્ગદર્શિકા જારી કરતાં પરિવહન વિભાગે 2024થી દિલ્હીમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ/સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. તેમજ આ જૂના વાહનોને પેટ્રોલ-ડીઝલ ન આપવા પણ આદેશ આપી દીધો છે. તેના માટે દિલ્હીમાં 477 ફ્યુલ રિફિલિંગ સ્ટેશન પર ડિવાઈસ લગાવવામાં આવ્યું છે. જેની મદદથી વાહનોની લાઈફ સાયકલ જાણી શકાશે. આ પ્રકારના એન્ડ ઓફ લાઈફ વ્હિકલની સંખ્યા દિલ્હીમાં 55 લાખથી વધુ છે. આ વાહનોની યાદી પરિવહન વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.
પરિવહન વિભાગની માર્ગદર્શિકા અનુસાર, એન્ડ ઓફ લાઈફ સાયકલ ધરાવતા આ વાહનોને જાહેર સ્થળોએ કે, ખાનગી સ્થળે પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, વાહન માલિકો પાસે માત્ર બે જ વિકલ્પો છે. એક તો વાહનની એન્ડ ઓફ લાઈફ સાયકલ તારીખના એક વર્ષની અંદર તેને દિલ્હીની બહાર લઈ જવા માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ લેવું પડશે. બીજું તેને સ્ક્રેપ કરવાનું રહેશે.
જૂના વાહનોને સ્ક્રેપ કરો
દિલ્હી સરકારે પ્રદુષણ પર નિયંત્રણ મેળવવા પરિવહન ક્ષેત્રે વિવિધ સુધારાઓ હાથ ધર્યા છે. જેમાં જૂના વાહનોનો તાત્કાલિક ધોરણે સ્ક્રેપ (નિકાલ) કરવા અપીલ કરી છે. જેના માટે તેઓ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ એપ્લિકેશનના માધ્યમથી રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટીનો ઉપયોગ કરી શકે છે. આ પ્રક્રિયાના માધ્યમથી નવા વાહનના રજિસ્ટ્રેશન પર મોટર વાહન ટેક્સમાં છૂટ પણ મળશે.
આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, આઠના મોત, મૃતકાંક વધવાની આશંકા
નિયમના ભંગ બદલ દંડ
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ જો જૂના વાહનો દિલ્હીના જાહેર કે ખાનગી સ્થળોએ પાર્ક થયેલા જોવા મળ્યા તો તેને જપ્ત કરવામાં આવશે. તેમજ વાહનના માલિકને રૂ. 5000થી રૂ. 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. તદુપરાંત આ વાહનોને ઈંધણ ન આપવા તમામ ફ્યુલ રિફિલિંગ સ્ટેશન્સને આદેશ આપવામાં આવ્યો છે. જેના માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં મોટાભાગના પેટ્રોલ પંપને આવરી લેવામાં આવ્યા છે.
એનઓસી બાદ તુરંત દિલ્હી બહાર કરવુ પડશે
જૂના વાહન પર લેવામાં આવેલી એનઓસી બાદ એક મહિનાની અંદર જ વાહનને દિલ્હીની બહાર લઈ જવુ પડશે. તેનું દિલ્હીમાં એક મહિના બાદ પાર્કિંગ ગેરમાન્ય ગણાશે. જો તેને દિલ્હીની બહાર નહીં કરાય તો દિલ્હી ટ્રાફિક પોલીસ, નવી દિલ્હી નગરપાલિકા પરિષદ, દિલ્હી નગર નિગમ, અને દિલ્હી છાવણી બોર્ડ આ વાહનોને જપ્ત કરી શકે છે.