![]()
પાંચ દિવસમાં સેન્સેક્સ ૨૦૦૦ પોઈન્ટ તૂટયો
મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વને બાનમાં લેનારા એક પછી એક આક્રમક પગલાં લેતાં રહી હવે ભારત, ચાઈના અને બ્રાઝિલ પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની તૈયારીને લઈ શેરોમાં અવિરત ધબડકો બોલાતો રહી આજે સાર્વત્રિક ધોવાણ ચાલુ રહ્યું હતું. ટ્રમ્પના ૫૦૦ ટકા ટેરિફના હાઉમાં છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટથી વધુ કડાકો બોલાઈ ગયો છે. ટેરિફ સાથે ટ્રમ્પની ગ્રીનલેન્ડને કબજે કરવાની તૈયારી અને ઈરાનમાં પણ તખ્તા પલટો કરવાની તૈયારીને જોતાં જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ આ ટેન્શન ત્રીજા વિશ્વ યુદ્વમાં પરિણમવાના જોખમને લઈ ફંડોએ શેરોમાં મળ્યા ભાવે હેમરિંગ કર્યું હતું. ઓલ રાઉન્ડ સેલિંગમાં આજે સતત બીજા દિવસે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં કડાકો બોલાયો હતો. ઓટોમોબાઈલ, હેલ્થકેર-ફાર્મા શેરો સાથે બેંકિંગ, રિયાલ્ટી, મેટલ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૬૦૪.૭૨ પોઈન્ટ તૂટીને ૮૩૫૭૬.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૯૩.૫૫ પોઈન્ટ ગબડીને ૨૫૬૮૩.૩૦ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૭૭૨ પોઈન્ટ તૂટયો : હ્યુન્ડાઈ મોટર રૂ.૯૧ ગબડયો : અપોલો ટાયર, બજાજ ઓટો ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં મોટાપાયે કડાકો બોલાઈ ગયો હતો. સપ્તાહના અંતે અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા ભારત સહિત પર ૫૦૦ ટકા ટેરિફ પર ચૂકાદા પર નજરે ભારતની નિકાસોને મોટો ફટકો પડવાની શકયતાએ ઓટો શેરો તૂટયા હતા. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૯૧.૨૫ તૂટીને રૂ.૨૨૬૪.૭૫, અપોલો ટાયર રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૫૦૪.૩૫, મધરસન રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૧૫.૬૫, બજાજ ઓટો રૂ.૨૦૩.૫૦ ઘટીને રૂ.૯૫૫૭.૪૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૯.૧૫ ઘટીને રૂ.૨૪૫૬.૯૫, એક્સાઈડ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૩૪૬.૫૦, બોશ રૂ.૬૫૧.૭૫ તૂટીને રૂ.૩૮,૦૦૨.૬૫, ઉનો મિન્ડા રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૧૨૫૦.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૭૯.૬૦ ઘટીને રૂ.૫૭૭૩.૪૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૩૫૪.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૭.૧૦ ઘટીને રૂ.૩૬૭૭.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૨.૮૦ ઘટીને રૂ.૧૬,૫૦૧, એમઆરએફ રૂ.૧૫૬૧.૪૦ ઘટીને રૂ.૧,૪૭,૦૯૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૭૧.૮૧ પોઈન્ટ તૂટીને ૬૨૨૮૯.૫૩ બંધ રહ્યો હતો.
રિન્યુએબલ એનજીૅ સહયોગ અમેરિકાએ તોડતા પાવર-કેપિટલ ગુડઝ શેરો સિમેન્સ, પાવર ઈન્ડિયા તૂટયા
રિન્યુએબલ એનજીૅ મિશન માટે અમેરિકાએ સહયોગ છોડતાં પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડો વેચવાલ રહ્યા હતા. સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૨૨.૪૦ તૂટીને રૂ.૨૪૦૬.૫૫, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૧૩.૮૫, પાવર ઈન્ડિયા રૂ.૫૭૯.૨૦ ઘટીને રૂ.૧૭,૮૬૧.૬૦, ઝેનટેક રૂ.૩૭.૯૦ ઘટીને રૂ.૧૨૯૨.૬૫, સીજી પાવર રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૫૯૫.૭૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૦૮ ઘટીને રૂ.૩૯૫૦.૪૫, વારી એનજીૅ રૂ.૬૬.૯૫ ઘટીને રૂ.૨૫૪૫.૨૫, કેઈઆઈ રૂ.૮૪.૦૫ ઘટીને રૂ.૪૩૨૮.૯૫, એસ્ટ્રલ રૂ.૨૬.૯૫ ઘટીને રૂ.૧૪૪૯ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૮૪.૯૬ પોઈન્ટ તૂટીને ૬૫૫૮૨.૬૯ બંધ રહ્યો હતો.
ફાર્મા કંપનીઓને ફટકો પડવાના અંદાજે શેરો તૂટયા : પેનેશિયા બાયો, વિમતા લેબ., બ્લિસજીવીએસ તૂટયા
અમેરિકાની ૫૦૦ ટકા ટેરિફ લાગુ થવાના સંજોગોમાં ભારતની ફાર્મા નિકાસને પણ ફટકો પડવાના અંદાજોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં નવા ગાબડાં પડયા હતા. પેનેશિયા બાયો રૂ.૨૫.૬૫ તૂટીને રૂ.૪૦૬, વિમતા લેબ્સ રૂ.૨૩.૭૫ તૂટીને રૂ.૫૭૯.૨૦, બ્લિસ જીવીએસ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૧૭૫.૨૦, વોખાર્ટ રૂ.૫૧.૧૦ ઘટીને રૂ.૧૪૦૬.૪૫, ગ્લેનમાર્ક રૂ.૭૧.૪૦ ઘટીને રૂ.૨૦૦૬.૯૦, કોહાન્સ રૂ.૧૭.૫૫ ઘટીને રૂ.૪૭૪.૯૦, મોરપેન લેબ. રૂ.૧.૪૦ ઘટીને રૂ.૩૯.૧૭, સાંઈ લાઈફ રૂ.૩૫.૯૫ ઘટીને રૂ.૯૨૪.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ૪૬૧.૪૫ પોઈન્ટ તૂટીને ૪૩૬૭૭.૬૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું : એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક ઘટયા
નિકાસ મોરચે ભારત માટે ટેરિફના નવા પડકારો ખડકાઈ રહ્યા હોઈ દેશના કોર્પોરેટ, ઉદ્યોગ જગતની તકલીફ વધવાના સંજોગોમાં બેંકોની લોન એનપીએ વધવાનું પ્રમાણ વધવાની શકયતાએ ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી વધારી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૧.૮૦ ઘટીને રૂ.૧૪૦૩.૫૫, એક્સિસ બેંક રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૧૨૭૧.૯૫, એચડીએફસી બેંક રૂ.૭.૯૦ ઘટીને રૂ.૯૩૮.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૯૧.૮૫ પોઈન્ટ ઘટીને ૬૬૬૧૬.૯૨ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં નવેસરથી વેચવાલી : પરાગ મિલ્ક, એપેક્સ, ફૂડ્સ ઈન, જીએમ બ્રિવરીઝ ઘટયા
એફએમસીજી શેરોમાં પણ આજે નવેસરથી વેચવાલી ફંડોએ શરૂ કરતાં ઘણા શેરોના ભાવો તૂટતાં જોવાયા હતા. એપેક્સ રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૨૫૯.૪૦, ફૂડ્સ ઈન રૂ.૩.૯૬ ઘટીને રૂ.૬૪.૪૪, જીએમ બ્રિવરીઝ રૂ.૫૫.૩૦ ઘટીને રૂ.૧૦૬૮.૭૦, ગોદાવરી બાયો રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૨૭૪.૫૦, રેડિકો રૂ.૧૩૦.૮૫ ઘટીને રૂ.૨૯૪૯, હેરીટેજ ફૂડ રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૪૪૫.૮૫, પરાગ મિલ્ક રૂ.૧૦.૧૫ તૂટીને રૂ.૨૭૦.૫૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૧૧.૪૦ પોઈન્ટ ઘટીને ૧૯૧૮૭.૧૦ બંધ રહ્યો હતો.
ઘટાડે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું સિલેક્ટિવ કવરિંગ : ઓઈલ ઈન્ડિયા, પેટ્રોનેટ, ઓએનજીસી વધ્યા
ઘટાડે ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ શોર્ટ કવરિંગ થયું હતું. અલબત ઉછાળે ફરી ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૦.૪૫ વધીને રૂ.૪૨૦.૨૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૯૦ વધીને રૂ.૨૮૭.૪૦, ઓએનજીસી રૂ.૨.૬૫ વધીને રૂ.૨૩૪.૧૦, આઈઓસી રૂ.૧.૦૫ વધીને રૂ.૧૫૭.૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫ વધીને રૂ.૧૪૭૫.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૧.૧૨ પોઈન્ટ વધીને ૨૭૨૬૩.૭૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : અંબર રૂ.૧૯૯ તૂટી રૂ.૬૩૩૧ : ક્રોમ્પ્ટન, પીજી ઈલેક્ટ્રો ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો સતત વેચીને હળવા થયા હતા. બીએસઈ અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૯૯.૩૦ તૂટીને રૂ.૬૩૩૧.૨૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૫૧.૯૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૫૯૬.૫૫, હવેલ્સ રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૧૪૬૫.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૫૧૩.૯૦, ટાઈટન રૂ.૪૪.૨૦ ઘટીને રૂ.૪૨૦૩, ડિક્સન રૂ.૭૯.૦૫ ઘટીને રૂ.૧૧,૯૦૬.૬૦ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૯૮.૦૨ પોઈન્ટ ઘટીને ૬૧૪૯૮.૦૭ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ મર્યાદિત બન્યું : જિન્દાલ સ્ટેનલેસ, અદાણી એન્ટર., લોઈડ્સ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેચવાલી ચાલુ રહી હતી. અલબત આજે વેચવાલીનું દબાણ મર્યાદિત બન્યું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૩.૩૫ તૂટીને રૂ.૭૭૧.૬૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૧.૮૦ ઘટીને રૂ.૨૧૫૩.૨૦, લોઈડ્સ મેટલ રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૧૨૬૭.૨૫, એનએમડીસી રૂ.૧.૦૭ ઘટીને રૂ.૮૦.૫૫, ટાટા સ્ટીલ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૭૮.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ૧૧૫.૫૨ પોઈન્ટ ઘટીને ૩૬૬૦૮.૬૪ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી ક્ષેત્રે મંદીના એંધાણ : ગોદરેજ પ્રોપર્ટી રૂ.૯૯ તૂટી રૂ.૧૯૯૩ : અનંતરાજ, ડીએલએફ ઘટયા
વૈશ્વિક આર્થિક ઉથલપાથલ સાથે આર્થિક મોટી મંદીની આશંકાએ પ્રોપર્ટીની માંગ મંદ પડવાના અંદાજોએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડો પોર્ટફોલિયો હળવો કરવા માંડયો હતો. ગોદરેજ પ્રોપર્ટી રૂ.૯૮.૬૫ તૂટીને રૂ.૧૯૯૩.૧૦, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૧૫ ઘટીને રૂ.૫૫૦.૯૦, ડીએલએફ રૂ.૨૧ ઘટીને રૂ.૬૭૧.૩૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૬.૯૦ ઘટીને રૂ.૧૦૬૧.૯૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૩.૫૦ ઘટીને રૂ.૧૬૮૯ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૪.૭૫ પોઈન્ટ તૂટીને ૬૮૦૭.૦૩ બંધ રહ્યો હતો.
ટીસીએસના પરિણામ પૂર્વે આઈટી શેરોમાં વેચવાલી અટકી : એચસીએલ, એમ્ફેસીસ, કોફોર્જ વધ્યા
ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીસના આગામી સપ્તાહમાં સોમવારે ત્રીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થતાં પૂર્વે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે વેચવાલી ધીમી પડી હતી. ટીસીએસ રૂ.૩.૬૫ વધીને રૂ.૩૨૦૮, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૧૦ વધીને રૂ.૧૬૬૨.૩૦, એમ્ફેસીસ રૂ.૧૬.૩૫ વધીને રૂ.૨૮૩૯.૩૦, કોફોર્જ રૂ.૩૩.૮૦ વધીને રૂ.૧૬૮૧.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૩.૬૫ વધીને રૂ.૧૫૮૧.૨૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૩૧૯૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં ફંડો, ખેલંદાઓએ સતત વ્યાપક વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૯૦ અને ઘટનારની ૩૨૯૫ રહી હતી.
DIIની રૂ.૫૫૯૬ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૩૭૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૫૫૯૫.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૦૯૩.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૬૨.૬૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૭૬૯.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૮,૪૮૧.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૮૫.૨૩ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૫૧ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૭.૭૪ લાખ કરોડ રહી
શેરોમાં ફંડોએ આજે સતત મોટી વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૧ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૭.૭૪ લાખ કરોડ રહ્યું હતું.










