![]()
મુંબઈ : વિશ્વને બાનમાં લેવાની અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક રણનીતિએ ફરી ઘણા નાના દેશોનું અસ્તિત્વ જોખમમાં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવી ચૂકેલા ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ છે અને વિશ્વના ઓઈલ ભંડારો પર કબજે કરતાં જઈ વિશ્વની ઓઈલ સપ્લાય-પુરવઠા પર પોતાનું નિયંત્રણ મેળવીને અમેરિકાને ફરી મહાસત્તા તરીકે પુન:પ્રસ્થાપિત કરવાનો અને વિશ્વ ન માને તો ત્રીજા વિશ્વ યુદ્વમાં લઈ જવાનો ખતરનાક ખેલ ખેલવાનું શરૂ કર્યું છે. ભારતે અમેરિકાની આ દાદાગીરી સામે નહીં ઝુંકવાની રણનીતિ અપનાવી સસ્તું ઓઈલ જે દેશો પાસેથી મળશે એ ખરીદવાની બતાવેલી મકક્મતાને જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ વણસવાની પૂરી શકયતા છે. હવે કોર્પોરેટ પરિણામોની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે કંપની પરિણામો બજાર પર ખાસ પોઝિટીવ અસર લાવી શકે એવી શકયતા ઓછી છે. ઉછાળા આવશે તો પણ ઉભરા જેવા નીવડી શકે છે. અમેરિકા, ઈરાન, વેનેઝુએલા, ચાઈના-તાઈવાન, રશીયા-યુક્રેન પર નજર અને આ વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૨૨૨થી ૨૫૪૪૪ વચ્ચે અને સેન્સેક્સ ૮૫૨૨૨ થી ૮૨૩૩૩ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : AUTOMOBILE CORPORATION OF GOA LTD.
માત્ર બીએસઈ(૫૦૫૦૩૬) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૪૯.૭૭ ટકા ટાટા મોટર્સ લિમિટેડના પ્રમોટર્સ હોલ્ડિંગની, ISO 9001:1994, ISO 9001:2000, QS 9000, TS 16949:2002, TS 16949:2002, IATF 16949, TS16949 Secon Edition Certified, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડ (AUTOMOBILE CORPORATION OF GOA LTD.), વર્ષ ૧૯૮૦માં અગાઉની ટાટા એન્જિનિયરીંગ એન્ડ લોકોમોટીવ કંપની લિ.(ટાટા મોટર્સ) અને ઈડીસી લિમિટેડ(અગાઉ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ગોવા, દમણ એન્ડ દિવ લિમિટેડ તરીકે ઓળખાતી) કંપની દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરાયેલી કંપનીએ પ્રથમ એન્જિનિયરીંગ એકમ ગોવામાં સ્થાપ્યું હતું. કંપનીઅત્યારે શીટ મેટલ કોમ્પોનન્ટસ, એસેમ્બલિઝ અને બસ કોચીઝ, સ્ટાફ ટ્રાન્સપોર્ટ માટેની બસો, ડીફેન્સ માટેની બસો, લકઝરી બસો, સિટી બસો, સ્કુલ બસો, સ્લિપર બસો, સ્પેશ્યલ ઉપયોગ માટેના વ્હીકલ્સ, શીટ મેટલ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય છે. જે માટે કંપની ભારતમાં હોન્ડા(ગોવા), ભુઈંપાલ(ગોવા), પૂના(મહારાષ્ટ્ર), ધારવડ(કર્ણાટક)માં મેન્યુફેકચરીંગ બેઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૨થી કાર્યરત કંપની ટાટા મોટર્સ પૂના ફેકટરીને પ્રેસિંગ્સ અને એસેમ્બિલીઝની મોટી સપ્લાયર છે. તેના ત્રણ એકમો ખાતે શીટ મેટલ ડિવિઝન ૧૭,૬૨૦ ટનથી વધુ હાઈ ટનેજ પ્રેસીઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૭માં કંપનીએ સુબારૂ કારની મેન્યુફેકચરર ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ-જાપાન સાથે ચેસીઝ માઉન્ટેડ બસ બોડીઝના વિવિધ મોડલો માટે ટેકનીકલ કોલોબ્રેશન કર્યું હતું અને કંપનીએ સંપૂર્ણ બસ બોડી બિલ્ડિંગ ડિવિઝન સ્થાપ્યું હતું. કંપની આ ઉપરાંત એફએચઆઈ-ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ ૧૯૯૫માં મોનોકોક્યુ બસોના નિર્માણ માટે પણ કરાર કર્યા હતા.
કંપની હાલમાં અદ્યતન ઈલેક્ટ્રિક વાહન પ્લેટફોર્મ વિકસાવી રહી છે, જેમાં ૧૨ મીટર એસી કોચ અને લો-ફ્લોર ઈલેક્ટ્રિક બસનો સમાવેશ થાય છે. કંપની એસટીયુ અને ડિફેન્સ વાહનો માટે ક્ષમતા ડેવલપ કરવા પર ફોક્સ કરી રહી છે, સાથે જ ઈવી, સીએનજી અને એમસીવી માટે બસ એસેમ્બલી પણ બનાવી રહી છે, તેનો ઉદ્દેશ ઈલેક્ટ્રિક બસ બોડી મેન્યુફેકચરીંગમાં પ્રવેશવાનો અને કિંમત ઉપજાવવા માટે વધુ વજન ધરાવતી બસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઉત્પાદન ક્ષમતા : કંપની વિશાળ જમીન અને માળખાકીય સુવિધાઓ, પર્યાપ્ત ઉત્પાદન અને કામગીરીની સુવિધાઓ, ટયુબ્યુલર બસ બોડી સ્ટ્રકચર, તમામ પ્રકારની બસોના ઉત્પાદનની ક્ષમતા એલસીવી, આઈસીવી, એમસીવી, એચસીવી, સ્લીપર કોચ, મોબાઈલ વાન, એમ્બ્યુલન્સ, ટીપર, આર્મર્ડ વાહન વગેરેનો સમાવેશ છે.
કાર્યક્ષમતા અને નાણાકીય સ્થિરતા : કંપની ઓછી મૂડીના આધાર, કંપનીના તમામ વ્યવહારો એસએપી સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવે છે, મજબૂત અને વિશ્વસનીય વિક્રેતાનો આધાર, બધી બસો આધુનિક પરિવહનની વિકસતી જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે કસ્ટમ-એજ ટેકનોલોજી સાથે ડિઝાઈન અને ઉત્પાદિત કરવામાં આવી છે.
કંપનીએ શરૂઆત કરી ત્યારથી ૨૩, જૂન ૨૦૨૫ સુધીમાં એક લાખ બસ બોડીનું વેચાણ કર્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં એક નાણા વર્ષમાં સૌથી વધુ ૭૨૬૫ બસો અને ખાસ કરીને ચાલુ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૦૦૦થી વધુ બસોનું વેચાણ કર્યું છે. કંપનીનો નિકાસમાં ૩૦ ટકા હિસ્સો છે, જ્યારે ડોમેસ્ટિકમાં ૭૦ ટકા હિસ્સો છે. ગત વર્ષની સફળતા મુખ્યત્વે બસ સેગ્મેન્ટમાં મજબૂત વૃદ્વિ દ્વારા પ્રેરિત હતી, જે કંપનીની કુલ આવકમાં ૯૦ ટકા ફાળો આપે છે. ટાટા મોટર્સ, કંપનીના સૌથી મોટા ગ્રાહક તરીકે ટર્નઓવરમાં ૮૫થી ૯૦ ટકા ફાળો આપે છે. કંપનીએ ડિજિટલ અપગ્રેડ અને એસેમ્બલી ક્ષમતાઓમાં વધારો કરીને ભવિષ્યની તૈયારીને મજબૂત બનાવી છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારોમાં, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં, સીએનજી, ડિફેન્સ, એર-કન્ડિશન્ડ વાહનોની વધતી માંગને પહોંચી વળવા માટે ટાટા મોટર્સ સાથે જોડાણ કર્યું છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક ૧૪ ટકા વૃદ્વિએ રૂ.૬૫૧ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૩ ટકા વધીને રૂ.૬૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧૬ ટકા થકી ચોખ્ખો નફો ૨૧ ટકા વૃદ્વિએ રૂ.૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૬.૫૪ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૨૬ ટકા વૃદ્વિએ રૂ.૨૪૮ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૭.૭૪ ટકા વધીને રૂ.૩૦.૯૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૨૮ ટકા થકી ચોખ્ખો નફો ૨૯ ટકા વૃદ્વિએ રૂ.૨૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૭.૯૦ હાંસલ કરી હતી.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫ થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૫૯ ટકા વૃદ્વિએ રૂ.૨૦૫ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૦૪ ટકા વધીને રૂ.૨૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧૪ ટકા થકી ચોખ્ખો નફો ૧૦૦ ટકા વૃદ્વિએ રૂ.૧૫ કરોડ હાંસલ કર્યા છે.
(૪) અપેક્ષિત બીજા છમાસિક ઓકટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૩૬ ટકા વૃદ્વિએ રૂ.૪૪૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૫૩ ટકા વૃદ્વિએ રૂ.૫૨ કરોડ નોંધાવી, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૮૧ ટકા થકી ચોખ્ખો નફો ૫૪ ટકા વૃદ્વિએ રૂ.૩૯ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૪ અપેક્ષિત છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૩૭ ટકા વૃદ્વિએ રૂ.૮૯૫ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૬૩ ટકા વૃદ્વિએ રૂ.૧૦૩ કરોડ નોૅધાવી, અપેક્ષિત ચોખ્ખો નફો ૬૪ ટકા વૃદ્વિએ રૂ.૭૭ કરોડ નોંધાવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૧૨૬ અપેક્ષિત છે.
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૨૦.૫૪, માર્ચ ૨૦૨૨ના રૂ.૫.૬૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૫.૭૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૩.૦૨, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૬.૫૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૬
ડિવિડન્ડ : કંપની કોવિડ પૂર્વે ચોખ્ખા નફાના ૫૫ થી ૬૦ ટકા ડિવિડન્ડ પે-આઉટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ની રૂ.૨૭૭.૪૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૩૧૮.૧૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૫૯.૬૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૧૬.૭૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૪૨
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ ટાટા મોટર્સ હસ્તક ૪૯.૭૭ ટકા, કોર્પોરેટસ પાસે ૧૫.૧૪ ટકા, એચએનઆઈઝ પાસે ૧૫.૪૨ ટકા અને રિટેલ પાસે ૧૯.૬૭ ટકા છે.
એક્ત્રિત-ક્મ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૧૫ ટકા, ત્રણ વર્ષમાં ૩૩ ટકા અને ટીટીએમ ૨૩ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૩૪ ટકા, ત્રણ વર્ષમાં ૭૧ ટકા અને ટીટીએમ ૨૯ ટકા.
શેર ભાવ : પાંચ વર્ષમાં ૩૪ ટકા, ત્રણ વર્ષમાં ૨૬ ટકા, છેલ્લા વર્ષમાં ૧૨ ટકા
ઈક્વિટી પર વળતર : પાંચ વર્ષમાં ૧૧ ટકા, ત્રણ વર્ષમાં ૧૮ ટકા, છેલ્લા વર્ષમાં ૨૦ ટકા.
આરઓસીઈ : ૨૦૨૧માં ૯ ટકા, ૨૦૨૨માં પાંચ ટકા, ૨૦૨૩માં ૧૪ ટકા, ૨૦૨૪માં ૧૯ ટકા, ૨૦૨૫માં ૨૦ ટકા
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૨૬ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૪૨ સામે ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડનો શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૧૭૬૭ના ભાવે ૧૪ના પી/ઈએ ઉપલબ્ધ છે.









