Vadodara : વડોદરા શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને સાફ, ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. જેથી નદીની વહન ક્ષમતા વધી શકે. આ પ્રયત્નો વચ્ચે પાલિકા અને હાઇ-વે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાની સાબિતી આપતી ઘટના સપાટી પર આવી છે. વેમાલી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. તેમણે મશીનો અને સામાન નદીના પટમાં મુકી રાખ્યો છે. સાથે જ નદીના વહેણમાં કામચલાઉ એપ્રોચ-વે બનાવવામાં આવ્યો છે. જેથી પટ વિસ્તાર કામચલાઉ ધોરણે સાંકડો બન્યો હોવાનો અંદાજ છે.
પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. 100 દિવસમાં વિશ્વામિત્રી નદી સહિત આસપાસના મહત્વના જળાશયોને ઉંડા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તેમની કેપેસીટી વધારવામાં આવી રહી છે. આ પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સરકારની બે એજન્સીઓ પાલિકા અને હાઇવે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો છે. વેમાલીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઇ-વે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મશીનરી અને કન્સ્ટ્રક્શન માટેનો સામાન નદીના પટમાં ઉતારી શકાય તે માટે પુરાણ કરવામાં આવ્યું છે. નદીની એક બાજુથી બીજી બાજુ તરફ જવા માટે કામચલાઉ એપ્રોચ-વે તૈયાર કરવામાં આવ્યો છે. જેના કારણે અહિંયાનો નદીનો પટ સાંકડો થયો હોય તેમ જણાય છે. આ વાત ધ્યાને આવતા પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શિતલ મિસ્ત્રી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા હાઇ-વેને સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહે છે. તેઓ રીવર ઓવર બ્રિજ બનાવી રહ્યા છે. જેના ભાગરૂપે નદીના કાંઠા પર અવર-જવર કરવા માટે નાનું-મોટું પુરાણ કરેલું છે. પાઇપલાઇન નાંખીને કોઝવે બનાવ્યો છે. હજી ચોમાસાને વાર છે. ઓથોરિટી જોડે પરામર્શ કરીને કોઝ-વે તથા અન્યને ચોમાસા પહેલા દુર કરવામાં આવે, જેથી કોઇ અડચણ ના સર્જાય. પાલિકા દ્વારા નદી પહોળી કરવામાં આવતી કામગીરીમાં કોઇ વિક્ષેપ ના આવે તેવા પ્રયાસો છે. જેથી મ્યુનિસિપલ કમિશનર અને હાઇ-વે ઓથોરિટી સાથે મળીને કામ કરશે.
વધુમાં જણાવ્યું કે, નદીના વહેણ પર જે કામગીરી કરવામાં આવી તે માટે જરૂરી મંજુરી લેવામાં આવી છે કે નહીં? તેની તપાસ કરવામાં આવશે. આ લાંબા ગાળાનું માળખું નથી. ચોમાસાને ધ્યાને રાખીને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેનું સંકલન કરીને કામ કરાશે. પાલિકા દ્વારા તમામ જોડે સંકલન કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, ચોમાસું આવતા પહેલા આ બધુ ક્લિયર કરાવી દેવામાં આવશે.