Taiwan NSA Advice To India: તાઈવાનના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) શૂ ચિએન શૂએ ભારત સમક્ષ ઓફર મૂકી છે કે, તેઓ ચીનમાંથી ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની આયાત ઘટાડવા માટે મદદરૂપ બની શકે છે. ભારત તાઈવાન સાથે આર્થિક ભાગીદારી વધારવા મુક્ત વેપાર કરાર (FTA)ને મંજૂરી આપી શકે છે.
રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે આવેલા તાઈવાનના NSA શૂ ચિએન શૂએ મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભારત સાથે મુક્ત વેપાર કરારની મદદથી તાઈવાનની કંપનીઓ માટે સેમિકંડક્ટર અને અન્ય ઉચ્ચ તકનીકી ક્ષેત્રોમાં રોકાણનો માર્ગ મોકળો બનશે. તેમજ ઊંચા ટેરિફથી પણ છૂટકારો મળશે. બંને દેશો વચ્ચેના આ કરારથી ચીનને ફટકો પડી શકે છે.
ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાશે
શૂ ચિએન શૂએ જણાવ્યું હતું કે, તાઈવાનની ટેક્નોલોજી અને ભારતની વસ્તીનો લાભ લેતાં ભારતમાં ઉચ્ચ સ્તરની ટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉત્પાદન થઈ શકે છે, જે ભારતની ચીન પરની આયાત નિર્ભરતામાં ઘટાડો કરવામાં મદદ કરશે. તેમણે ભારત અને તાઈવાન વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંધ બારણે બેઠક યોજી હોવાનું પણ જાણવા મળ્યું છે.
બંને દેશોએ સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂર
વધુમાં શૂએ કહ્યું કે, ‘મને લાગે છે કે બંને દેશોએ સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂર છે. ભારત ચીનમાંથી આયાત કરવાને બદલે તાઈવાન સાથે મળી વિવિધ ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનું ઉત્પાદન કરીને ચીન સાથેની તેની વિશાળ વેપાર ખાધમાં ઘટાડો કરી શકે છે. જેમાં મોટાભાગના ICT (માહિતી અને સંચાર તકનીક) પ્રોડ્કટ્સ સમાવિષ્ટ છે. તાઇવાન માત્ર સેમિકન્ડક્ટર્સમાં જ નહીં, પરંતુ અન્ય તમામ ICT ઉત્પાદનોમાં મદદ કરી શકે છે.’
આ પણ વાંચોઃ અમેરિકા સામે ઝૂકી જશે સરકાર? ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે ધીમે ધીમે ટેરિફ ઘટાડશે ભારત
ચીન સાથે ભારતની વેપાર ખાધ વધી
સત્તાવાર જાહેર આંકડાઓ અનુસાર, ચીન સાથે ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે. 2023-24માં ચીનમાંથી ભારતે કુલ 101.75 અબજ ડોલરની આયાત કરી હતી. જેની સામે નિકાસનો આંકડો 16.65 અબજ ડોલર રહ્યો હતો. 2.30 કરોડથી વધુ વસ્તી ધરાવતું તાઈવાન વિશ્વની કુલ માગના લગભગ 70 ટકા સેમિકન્ડક્ટર્સ અને 90 ટકાથી વધુ ચીપ્સનું ઉત્પાદન કરે છે. આ ચીપ્સનો ઉપયોગ સ્માર્ટફોન, ઓટો પાર્ટ્સ, ડેટા સેન્ટર્સ, ફાઇટર જેટ અને AI ટેક્નોલોજી જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે જરૂરી છે.
તાઈવાન ભારત સાથે વેપાર કરવા આતુર
તાઈવાનના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરે કહ્યું કે તાઈવાન ભારત સાથે વેપાર કરાર કરવા આતુર છે. જોકે ભારતનો ટેરિફ ઘણો વધારે છે. તેથી અમે અમારા દ્રષ્ટિકોણ અને વાટાઘાટાનો માધ્યમથી વેપાર કરાર કરવા માગીએ છીએ. જેમાં બંને દેશોનો ફાયદો થાય. બંને પક્ષોએ સૂચિત FTA માટે અભ્યાસ હાથ ધર્યો છે અને કરાર પર પ્રારંભિક ચર્ચા પણ કરી છે.
ચીન-તાઈવાન વચ્ચે વર્ષોથી વિવાદ
તાઈવાન ચીનને પોતાનો દુશ્મન માને છે. વર્ષોથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને પોતાના દેશનો જ હિસ્સો માને છે, જ્યારે તાઈવાન પોતે અલગ દેશ હોવાનો દાવો કરે છે. ભારત અને તાઈવાન વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. આમ છતાં તેમની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો વધી રહ્યા છે.