![]()
મુંબઈ : વૈશ્વિક ભાવમાં સતત રેલીને પગલે ચાંદીની માર્કેટ કેપપાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે. મંગળવાર સવારના વૈશ્વિક ભાવ પ્રમાણે ચાંદીની માર્કેટ કેપ વધી ૪.૮૨ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
માર્કેટ કેપની દ્રષ્ટિએ સોના બાદ ચાંદીનો ક્રમ આવે છે. સોનાની માર્કેટ કેપ મંગળવારે સવારે ૩૨.૦૩ અબજ ડોલર પહોંચી ગઈ હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
૧૨ જાન્યુઆરીના રોજ કોમેકસ પર ચાંદીના સ્પોટ ભાવ ઊંચકાઈને પ્રતિ ઔંસ ૮૬ ડોલરને પાર કરી ગયા હતા અને મંગળવારે પણ ઊંચા ભાવ ટકી રહ્યા હતા.
વિશ્વમાં ૫૬ અબજ ઔંસ ચાંદી ફિઝિકલ સ્વરૂપમાં હોવાનો અંદાજ છે.
ચીપ ઉત્પાદક વૈશ્વિક કંપની એનવિડીયાની માર્કેટ કેપ ૪.૫૦ ટ્રિલિયન ડોલર રહી હતી.
ગયા વર્ષના ઓકટોબરમાં ચાંદીના વૈશ્વિક ભાવ પ્રતિ ઔંસ ૪૫ ડોલર કવોટ થતા હતા તે ડિસેમ્બરના અંત સુધીમાં ઉછળી ૮૨.૭૦ ડોલર પર આવી ગયા હતા.
ઈલેકટ્રોનિકસ, સોલાર પેનલ્સ તથા વીજ વાહનોના ઉત્પાદનમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત હાલમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્ર તરફથી પણ ચાંદીની જોરદાર માગ વધી છે.
વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જે પ્રતિ ઔંસ ૪૬૦૦ ડોલરને પાર કરી ગયા છે તેને ધ્યાનમાં રાખતા ભારતના પરિવારો પાસે પડેલા સોનાનું એકંદર મૂલ્ય પાંચ ટ્રિલિયન ડોલરથી પણ વધુ થવા જાય છે, જે દેશના એકંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) કરતા પણ વધુ હોવાનું કહી શકાય એમ છે.
ભારતનું જીડીપી હાલમાં ૪.૧૦ ટ્રિલિયન ડોલર જેટલું છે. એક અંદાજ પ્રમાણે ભારતના પરિવારો પાસે ૩૪૬૦૦ ટન જેટલું સોનું છે.










