![]()
અમદાવાદ : બજેટ ૨૦૨૬-૨૭ આ વખતે રાબેતા મુજબ તા. ૧ ફેબ્રુઆરીએ જ રજુ થશે. કર નિષ્ણાતોએ સરકારને ચેતવણી આપી છે કે ઉચ્ચ આવક ધરાવતા જૂથો પર આવકવેરા સરચાર્જ વધારવો અથવા સંપત્તિ કર ફરીથી લાગુ કરવો ખતરનાક બની શકે છે. તેમના મતે, આનાથી ભારતમાંથી મૂડી અને પ્રતિભાના પલાયનનું જોખમ વધી શકે છે.
હાલમાં, ૫૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓ તેમના આવક સ્તરના આધારે સરચાર્જને પાત્ર છે. જેમાં, રૂ. ૫૦ લાખથી ૧ કરોડ વચ્ચેની આવક પર ૧૦% સરચાર્જ, રૂ. ૧ કરોડથી ૨ કરોડ સુધીની આવક પર ૧૫%, રૂ. ૨ કરોડથી ૫ કરોડ સુધીની ૨૫% અને રૂ. ૫ કરોડથી ઉપરની કર વ્યવસ્થા ૨૫% વસૂલ કરે છે, જે જૂની વ્યવસ્થામાં ૩૭% હતી.
નિષ્ણાતોના મતે, તાજેતરના જીએસટી દરમાં ઘટાડો અને આવકવેરાની વસૂલાતમાં ઘટાડાથી આ નાણાકીય વર્ષમાં સરકારને આશરે ૨ લાખ કરોડનું નુકસાન પહોંચાડી શકે છે. તે જ સમયે, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં વધતી ખર્ચની જરૂરિયાતો સરકારને નવા આવક ોતો શોધવાની ફરજ પાડી શકે છે.પરંતુ નિષ્ણાતો માને છે કે અતિ-ધનિકો પર કર વધારવાથી વિપરીત અસર થઈ શકે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારત પહેલાથી જ વર્ટિકલ ઇક્વિટીના સિદ્ધાંતનું પાલન કરે છે, એટલે કે જેઓ વધુ કમાય છે તેઓ વધુ કર ચૂકવે છે. તેમણે કહ્યું, જ્યારે કરનો બોજ ખૂબ ઊંચો થઈ જાય છે, ત્યારે ઉચ્ચ આવક ધરાવતા લોકો ભારત છોડવાનું વિચારી શકે છે. આજના વૈશ્વિક વાતાવરણમાં આ સરળ છે. આવા લોકો ઘણીવાર ઉદ્યોગ અને રોજગાર સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
જાણકારોએ જણાવ્યુ હતું કે ઊંચા સરચાર્જ અથવા સંપત્તિ કરનું વળતર ઉચ્ચ આવક ધરાવતા વ્યક્તિઓને ઓછા કરવાળા દેશોમાં લઈ જઈ શકે છે.










