Canada Gold Heist 2023 Preet Panesar Extradition : વર્ષ 2023માં કેનેડાના ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પરથી થયેલી 20 મિલિયન ડોલર (આશરે ₹166 કરોડ) ના સોનાની ચોરીએ વિશ્વને ચોંકાવી દીધું હતું. આ લૂંટના મુખ્ય સૂત્રધાર ગણાતા 32 વર્ષીય પ્રીત પનેસર વિરુદ્ધ કેનેડાની સરકારે હવે ભારત પાસે અધિકૃત રીતે પ્રત્યર્પણ (Extradition) ની માંગ કરી છે. પ્રીત પનેસર એર કેનેડામાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તેણે જ આ આખી લૂંટની યોજના બનાવી હતી.

એર કેનેડાના મેનેજરે જ રચ્યું હતું કાવતરું
કેનેડાની પીલ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રીત પનેસરે એર કેનેડામાં મેનેજર પદનો દુરુપયોગ કરીને એર કાર્ગો સિસ્ટમમાં છેડછાડ કરી હતી. તેણે ગોલ્ડ શિપમેન્ટની ઓળખ કરી સિસ્ટમને હેક કરી હતી અને સોનાથી ભરેલા કન્ટેનરોને એરપોર્ટની બહાર કઢાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ચોરીમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી અરસલાન ચૌધરી નામના અન્ય એક આરોપીની હાલમાં જ ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
પંજાબમાં પકડાયો આરોપી, મની લોન્ડરિંગનો પણ આરોપ
ફેબ્રુઆરી 2025 માં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રીત પનેસર ભારતમાં છુપાયેલો છે. પંજાબના મોહાલીમાં એક ભાડાના મકાનમાંથી તે ઝડપાયો હતો. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એવી શંકા છે કે ચોરીના નાણાંમાંથી આશરે ₹8.5 કરોડ હવાલા મારફતે ભારત મોકલવામાં આવ્યા હતા.
પંજાબી મ્યુઝિક અને ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ
તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટના પૈસાનો ઉપયોગ પંજાબી મ્યુઝિક અને ફિલ્મ ઉદ્યોગના પ્રોજેક્ટ્સમાં કરવામાં આવ્યો હતો. આ નાણાં પ્રીત પનેસરની પત્નીની કંપની દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં કેનેડિયન એજન્સીઓ સતત ભારતીય સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે. જોકે, ED ના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને હજુ સુધી પ્રત્યર્પણ માટેનો સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ કાનૂની સહયોગ ચાલુ છે.










