![]()
ઉત્તરાયણ
પૂર્વે બજારોમાં માનવમહેરામણ ઉમટયું
માર્ગો
પર પથારા અને લારીઓના કારણે ચાલવું મુશ્કેલ ઃ પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં
રોષ
વિરમગામ –
વિરમગામ શહેરના હાર્દ સમાન ગોલવાડી રોડ અને ભરવાડી રોડ પર
ઉત્તરાયણ પર્વની ખરીદી માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોની ભારે ભીડ ઉમટી પડી
છે. તહેવારને લઈને મુખ્ય માર્ગો પર પતંગ, દોરી, ચશ્મા અને શેરડી-બોરના પથારા અને લારીઓની લાંબી હારમાળા ખડકાઈ ગઈ છે.
સાંકડા
રસ્તાઓ પર દબાણો વધતા વાહન ચાલકો તો ઠીક,
પરંતુ રાહદારીઓને પગે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ગોલવાડી પોલીસ ચોકીની
બિલકુલ સામે જ રસ્તાઓ રોકાઈ જતાં નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્વામી
વિવેકાનંદ સર્કલથી ગોલવાડી દરવાજા સુધીના માર્ગ પર ટ્રાફિકની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ
ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તહેવારના સમયે કોઈ નક્કર આયોજન
કે કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો છતાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ન
આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તહેવારની ખરીદી કરવા આવેલા લોકો કલાકો સુધી
ટ્રાફિકમાં ફસાયેલા રહે છે,
જેના કારણે બજારમાં અરાજકતા જેવો માહોલ સર્જાયો છે.










