![]()
Vadoadra Corporation : વડોદરા શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જોકે કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈન પર ઈલેક્ટ્રીક મોટરો મૂકીને પાણી ખેંચી લેવામાં આવે છે. પરિણામે પ્રેશર ઓછું થવાથી લોકો હેરાન પરેશાન થાય છે. જો કે વડોદરા મહાનગરપાલિકા આ અંગે મોટી મોટી જાહેરાતો કરે છે જેમાં લાઈન પર પાણીની મોટરો ખેંચનારા સામે કાર્યવાહી કરીને મોટરો જપ્ત કરવાની જાહેરાતો થાય છે. પરંતુ તંત્ર દ્વારા છેલ્લા ચાર મહિનામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
શહેરના વિવિધ વિસ્તારમાં પીવાનું પાણી તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં નહીં આવતું હોવાની ફરિયાદો પાલિકા તંત્ર સામે વારંવાર થાય છે. જોકે પાલિકા તંત્રમાં પાણીની સમસ્યા અંગે આવતી ફરિયાદો સામે માત્ર થીંગડા મારવામાં આવે છે. પરિણામે પાણીનું પ્રેશર ઓછું થઈ જતા સ્થાનિક લોકો પાણી વિના કેટલીયવાર અને રોજિંદી રીતે હેરાન પરેશાન થતી રહે છે.
જોકે શહેરના કેટલાય વિસ્તારોના સ્થાનિક રહીશો પાણીની લાઈન પર ઈલેક્ટ્રીક મોટર મૂકીને પાણી ખેંચી લેતા હોવાની ફરિયાદો તંત્ર સમક્ષ વારંવાર આવતી હોય છે. જોકે લાઈન પર મોટર મૂકીને પાણી ખેંચી લેવાશે તો પાલિકા તંત્ર દ્વારા આવી મોટરો કબજે કરીને પાણી ખેંચનારા સામે કાર્યવાહી કરવાની પણ અવારનવાર જાહેરાતો કરવામાં આવે છે. આવી જ જાહેરાત પાલિકા તંત્ર દ્વારા ગયા મે મહિનામાં કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ચાર મહિનામાં પાણી મોટરથી ખેંચનારાઓ સામે કોઈપણ જાતની કાર્યવાહી કે મોટરો કબજે લેવાની પણ તસ્દી પાલિકા તંત્ર દ્વારા નહીં લેવાય હોવાની ચોકાવનારી વિગતો કરાયેલી આરટીઆઇમાં ખુલાસો કરવામાં આવ્યો છે.










