![]()
Amreli Accident: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા રોડ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ચક્કરગઢ દેવળીયાથી ભલગામ તરફ જઈ રહેલી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવીને રોડ નીચે ઉતરી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, અમરેલીના ચક્કરગઢ દેવળીયા ગામનો પરિવાર કાર લઈને ભલગામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બગસરાના નાના મુંજયાસર ગામ પાસે માણેકવાડા રોડ પર કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર પૂરઝડપે હોવાથી અચાનક રોડની નીચે ઉતરી ગઈ હતી અને ગોથું ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર હેતલબેન જાદવ નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક અને કારમાં સવાર એક માસૂમ બાળકનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.
આ પણ વાંચો: આજે પતંગપ્રેમીઓ વચ્ચે જામશે ‘આકાશી યુદ્ધ’, પવનની ગતિ 9 થી 11 કિ.મી. રહેવાની શક્યતા
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક હેતલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં અને ચક્કરગઢ દેવળીયા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.










