Vande Bharat Sleeper Trains Toilet Manners: ગુવાહાટી-હાવડા રૂટ પર આગામી 17 જાન્યુઆરીએ દેશની પ્રથમ ‘વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ’ શરૂ થવા જઈ રહી છે. જોકે, આ લોન્ચિંગ પહેલા રેલવેના એક વરિષ્ઠ અધિકારી અનંત રુપનાગુડીની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચા જાગી છે. તેમણે મુસાફરોને વિનંતી કરતા લખ્યું કે, ‘આ નવી ટ્રેનમાં ત્યારે જ મુસાફરી કરજો જો તમે ‘ટોઇલેટ મેનર્સ’ (શૌચાલયના ઉપયોગની રીતભાત) શીખ્યા હોવ અને જાહેર મિલકતનું સન્માન કરી શકતા હોવ.’ આ નિવેદન બાદ ટ્રેનમાં સ્વચ્છતા અને જાળવણી અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મુસાફરોએ સુવિધાઓ અને મેન્ટેનન્સ સામે સવાલો ઉઠાવ્યા
રેલવે અધિકારીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું કે, ‘તંત્રએ પહેલા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટ્રેનમાં ફ્લશ બરાબર કામ કરી રહ્યા હોય અને પાણી તથા ટિશ્યુ પેપરની પૂરતી વ્યવસ્થા હોય. ઘણીવાર 2AC અને 3AC જેવા પ્રીમિયમ કોચમાં પણ આવી પાયાની સુવિધાઓ જોવા મળતી નથી.’
આ સવાલના જવાબમાં અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘પ્રીમિયમ ટ્રેનોમાં સુવિધાઓનો અભાવ હોવો એ ક્યારેય મુખ્ય સમસ્યા નથી હોતી. ખરી મુશ્કેલી તો એ છે કે ઘણા મુસાફરો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી ફ્લશ કરવાની પણ તસ્દી લેતા નથી અથવા તો ફ્લશ કામ કરે છે કે નહીં તે જોવાની પણ દરકાર નથી કરતા.’
ટિકિટિંગમાં ફેરફાર: હવે કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રેલવેએ ટિકિટિંગના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે. આ ટ્રેનમાં હવે RAC (Reservation Against Cancellation) કે વેટિંગ લિસ્ટ જેવી કોઈ વ્યવસ્થા રહેશે નહીં. રેલવે બોર્ડના નવા પરિપત્ર મુજબ, આ ટ્રેનમાં માત્ર ‘કન્ફર્મ’ ટિકિટ ધરાવતા મુસાફરો જ મુસાફરી કરી શકશે. આનો અર્થ એ છે કે મુસાફરોએ હવે સીટ શેર કરવાની કે ટિકિટ કન્ફર્મ થવાની રાહ જોવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના
ભાડું અને અંતરના નવા નિયમો
ભાડાની વાત કરીએ તો, વંદે ભારત સ્લીપરનું ભાડું રાજધાની એક્સપ્રેસ કરતા થોડું વધારે હશે. આ ટ્રેન માટે લઘુતમ અંતર 400 કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, જો તમે 400 કિ.મી.થી ઓછી મુસાફરી કરશો તો પણ તમારે ઓછામાં ઓછું 400 કિ.મી.નું ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેન હાલની એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીનો સમય આશરે 3 કલાક જેટલો ઘટાડશે તેવી અપેક્ષા છે.











