![]()
Uttarayan Celebrations in Ahmedabad: ઉત્તરાયણની આજે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પતંગરસિયા વચ્ચે પહોંચીને તહેવારનો આનંદ માણ્યો હતો. ભક્તિ, પરંપરા અને પતંગબાજીના ત્રિવેણી સંગમ સાથે બંને નેતાઓએ જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરામાં પતંગ ચગાવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના વતન અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી દિવસની શરૂઆત અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શનથી કરી હતી. તેમણે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને ગૌમાતાને ઘાસચારો ખવડાવી આશીર્વાદ લીધા હતા. નારણપુરા વિસ્તારમાં જ્યારે તેઓ ધાબા પર પતંગ ચગાવવા પહોંચ્યા, ત્યારે આસપાસના ધાબા પરથી લોકોએ ‘ઓ… અમિતકાકા…’ ની બૂમો પાડી તેમનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: પવનની મંદ ગતિથી પતંગ રસિયા નિરાશ, આકાશમાં પેચને બદલે ધાબે ખાણી-પીણીની મહેફિલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરની પોળ ગજવી
બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન દરિયાપુર વિસ્તારની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે દરિયાપુરના વાડીગામમાં સ્થાનિક રહેવાસીઓ સાથે ધાબા પરથી પતંગ ખેંચીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. પોળના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. CMએ તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન અને અન્ય રાજકીય અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયા હતા.










